<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

પોરબંદરમાં અતિવૃષ્ટિની સ્થિતિમાં જરૂરી રાહત અને જયાં જરૂર પડે ત્યાં વિશેષ મદદ માટે સરકાર જાગૃતઃ ભૂપેન્દ્રભાઇ

જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે ઘરમાં પાણી ઘુસી જવાથી અસર અને ખેતરમાં પાકને નુકસાન સહિત જિલ્લા તંત્ર દ્વારા લેવાયેલા પગલાની સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૯ :.. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગઇકાલે કલેકટર કચેરીએ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે જિલ્લામાં અતિ ભારે વરસાદથી થયેલી ખાના ખરાબીઓ સામે તંત્ર દ્વારા લેવાયેલા પગલાની સમીક્ષા બેઠક યોજીને મુખ્યમંત્રીએ જણાવેલ હતું કે, જિલ્લામાં  અતિવૃષ્ટિની સ્થિતિમાં જરૂરી રાહત કાર્યો તથા જયાં જરૂર પડે ત્યાં વિશેષ મદદ માટે સરકાર જાગૃત છે.

 મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ  પટેલે  પોરબંદર  કલેકટર કચેરી ખાતે  ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. ં પોરબંદર જિલ્લામાં પડેલ અતિ ભારે વરસાદના કારણે લોકોના પાક, જમીનને પ્રતિકૂળતા  અને લોકોના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જવાથી થયેલી અસર બાબતે જિલ્લા પ્રશાસન દ્વારા લેવાયેલા પગલાની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી શ્રી એ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી વરસાદી પાણીના નિકાલ અને હાલ તત્કાલ લેવાઈ રહેલા પગલા અંગે જિલ્લા પ્રશાસનને માર્ગદર્શન આપ્યું છે.

મુખ્યમંત્રી શ્રી એ કહ્યું કે અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકાર લોકોની સાથે છે. સરકારની જોગવાઈ મુજબ જરૂરી રાહતો અને જ્યાં જરૂર પડે ત્યાં વિશેષ મદદ કરવાની પણ મુખ્યમંત્રી શ્રી એ પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

  જિલ્લા પ્રશાસન દ્વારા અન્ય જિલ્લાઓ માંથી પાણી નિકાલ માટે મશીનરી પંપ મંગાવી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને રાજકોટ જિલ્લા માંથી સફાઈની ટીમ બોલાવી સફાઈ કરી દવાનો છંટકાવ કરવા સહિતની થયેલી કામગીરી અંગેની માહિતી કલેકટર શ્રી કે.ડી લાખાણીએ મુખ્યમંત્રી શ્રી ને આપી હતી.

  પોરબંદરમાં ભરાતા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા થાય તેવું આયોજન કરવા પણ સૂચનાઓ આપી હતી.   આ બેઠકમાં  કેબિનેટ મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય  અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, અશોકભાઈ મોઢા, જિલ્લા વિકાસ અધિકારી  કેતન ઠક્કર સહિતના અધિકારીઓ અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા. (પ-૧૯)

 

(2:12 PM IST)