હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબી મચ્છુ જળ હોનારતની કાલે ૪૫મી વરસી
મચ્છુ જળ હોનારતનાં ગોઝારા પાણી હજારો હરતી-ફરતી-હસતી જીંદગીઓ ઉપર મોતની મ્હોર મારી ઓસરી પણ ગયા પરંતુ એ આંખોમાં પાણી આજે પણ નથી ઓસર્યા જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે... : સાડા ચાર દાયકાઓ વિતી ગયા છતાં પણ એ ગોઝારી દુર્ઘટનાથી યાદ માત્રથી કંપારી છૂટી જાય છેઃ શેરીઓમાં કાદવના સામ્રાજ્ય વચ્ચે ચોમેર માનવી અને અબોલ પશુઓના મૃતદેહો જ દેખાતા હતા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૦: ચાર ચાર દિવસથી મોરબી પર અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. સતત પડતા વરસાદ અને પવનના સુસવાટાને કારણે બજારો પણ શાંત અને અડધી બંધ લાગતી હતી. લોકો ઘરમાં અનિચ્છાએ આરામ કરી રહ્યા હતા. અને સતત વરસતા વરસાદના કારણે ડેમમાં અકલ્પનીય પાણીનો જથો ઠલવાઈ રહયો હતો.
તા ૧૧ ની બપોરે લગભગ ત્રણ વાગવા જઈ રહ્યા હતા, અને શેરીઓમાં ભાગો ભાગો પાણી આવ્યુ, હોનારત આવ્યું ની બુમોથી ઘરોમાં આરામ કરતા લોકો બેબાકળા થઈ ઘરની બહાર નીકળી જોયુ તો પુરના ધસમસતા પાણીએ માનવીને ઘેરી લીધો હતો.
ડરના માર્યા ભયથી કાંપતા લોકો ને પોતાની જાન બચાવવા જ્યાં જે આશ્રય મળ્યો, જ્યાં ઉંચાઈ જોઈ ત્યાં પહોંચવા મુઠ્ઠીઓ વલી ડોટ લગાવી અને એમાં પણ ધસમસતાં તે મચ્છુના નિર્દય જળ કંઇકને પોતાની સાથે ઢસડી ગયા અને જોતજોતામાં બેબશ, લાચાર માનવી ચિંસો પાડતા પાડતા મોતને ભેટતા રહ્યા.
પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થતી ઇમારતો, તણખલની જેમ પુરના પ્રચંડ પ્રવાહમાં તણાતા માનવ, પશુઓ અને અત્ર, તત્ર, સર્વત્ર બસ વિનાશ ને માત્ર વિનાશ!
અરે હજારો માનવ જીંદગીઓ પર પળવારમાં મોતની મ્હોર લગાવી નિર્દય એ કાળનો પંજો તાજા જન્મેલા અને આ દુનિયામાં આવીને માત્ર ગણ્યા ગાંઠ્યા શ્વાસ લેનાર એ નવજાત શિશુઓને પણ મમતાના ખોળા માંથી આંચકી લઈ પોતાની સાથે લઈ ગયો ત્યારે તો ખરેખર કાળે પોતાની નિર્દયતાની હદ વટાવી હતી.
એક કલાની નગરી, એક ઔધોગિક નગરી અને ખાસતો સૌરાષ્ટ્રના ‘પેરિસ' તરીકે ઓળખાતી મયુર નગરીને એ મચ્છુ જળહોનારતની એક થપાટે મોતનું તાંડવ મચાવી મસાણ નગરી બનાવી દીધી હતી.
હોનારતના નીર ઓસરતા હતા, અવની પર અંધકારના ઓળ ઉતરી ચુકયા હતા. વીજળી ગુલ હતી. જે લોકો બચી ગયા તે જગ્યા પર જ રાત વિતાવવા મજબુર હતા.
લોકો ભૂખ્યા, તરસ્યા કોઈએ છત પર તો કોઈએ નળીયા પર તો કોઈ ઝાડ પર એક વર્ષ જેવી રાત વિતાવી.
સૂર્યનારાયણના આગમન સાથેજ આકુળ વ્યાકુળ, બેબશ અને લાચાર માનવી પોતાના પરિવારજનોની શોધમાં નીકળી પડ્યો.
શેરીઓમાં કાદવના સામ્રાજ્યમાં ચોમેર લાશો નજર આવતી હતી કયાંક માનવની તો કયાંક અબોલ પશુઓની, અને કયાંક કયાંક તો કોઈના ઘર પાસે હૈયાફાટ રૂદન વાતાવરણે વધુ બિહામણું બનાવી રહ્યુ હતુ.
કયાંક કોઇ બેનીનો રાખડી બંધાવનાર વીરો, કયાંક કોઇ ભાઈની સાત ખોટની એકની એક બેનડી તો કયાંક હજુ જેના હાથની મહેંદી નથી ઉતરી તેવી નવોઢા પોતાના ભરથારને ભેટી માથા પછાડી રહી હતી. અને પોતાના બુઢ્ઢાપાની લાકડી સમાન પુત્રની લાશ પાસે કલ્પાંત કરતી ઘરડી માની પીડા કેમ વર્ણવી?
નિર્દય કાળની નિષ્ઠુરતા કહો કે કુદરતે મોકલેલ આફત કહો કે પછી કહો કુદરતની નિષ્ઠુરતા જે કહોતે પણ તેણે કલાકોમાં મયુર નગરીને મોતની નગરી બનાવી દીધી હતી. મળતદેહોની સામે લાકડા ખુટી પડ્યા હતા તો સ્મશાન પણ વામણું પુરવાર થયુ હતુ. અને પેટ્રોલ છાંટીને કરવામાં આવતા સામુહિક અગ્નિસંસ્કારના એ દ્રશ્યો પણ ભલભલાના કાળજા કંપાવી દે તેવા હતા.
ફિનીક્સ પક્ષીની જેમ ગમે તેવી કાળની થપાટો કે કુદરતી આફતો બાદ પણ ફરીને બેઠુ થતુ મોરબી અને મોરબીવસીઓની ખુમારી, સાહસિકતા અને ખેલદિલીથી આજે પણ તે ઉભુ થયુ એટલુજ નહિ દોડતુ પણ થયુ અને અહીંની ખમીરવંતી પ્રજા, સાહસિક અને મહેનતકશ ઉદ્યોગકારોના કારણે આજે મોરબી વિશ્વના નકશા પર જઈ પહોંચ્યું છે. સમય એ પરિવર્તનની પારાસીસી છે એમ કહેવામાં આવે છે. સમયની સાથે યાદો પણ ઘસાતી, ભુસાતી જાય છે. પણ સમય આવ્યે એ ફરી તાજી પણ થાય છે એ પણ એટલુજ સાચું છે. અને જયારે જયારે મચ્છુ જળ હોનારતની વરસી આવે છે ત્યારે ત્યારે એ પરિવારોની આંખોમાં પણ આંસુઓના ઘોડા પુર ઉભરી આવે છે. મચ્છુ ના પુર તો આવીને ઓસરી પણ ગયા પરંતુ એ પરીવાર ની આંખોમાં અશ્રુઓના પુર ગમે ત્યારે ચઢી આવે છે. જેમણે પોતાના પરિવારમાં ખિલખિલાટ કરતા સભ્યોને ફોટો ફ્રેમમાં સુખડના હાર વચ્ચે, કાયમી મૌન ધારણ કરી દીવાલ પર ચિપકેલા જુએ છે... અને ત્યારે તેમને શ્રધાંજલિ આપવા સિવાય પોતે કસુ નથી કરી શકતા!
અને કદાચ એવા શબ્દો પણ મનોમન નીકળી આવે છે,
‘હમ યાદોં કે ફુલ ચઢાયે,
ઔર આંશુ કે દીપ જલાયે,
મોત મિટાદે ચાહે હસ્તી,
યાદ તો અમર હે!!
મચ્છુ જળહોનારતના તમામ દીવંગતોને અકિલા પરિવાર શ્રધ્ધાંજલી પાઠવે છે.(૨૨.૪)
મોરબીવાસીઓની મદદે આવનાર રાજકોટ પ્રથમ હતું
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ ત્યારે ટીવી નોતા, મોબાઇલ નોતા બસ રેડિયો હતા, અને રાજકોટ જિલ્લામાં કોઈ મોરબી શહેર આવેલુ છે અને ત્યાં બાંધ તુટતા મોટી ખુવારી સર્જાય છે. આવા સમાચાર ત્યારે બીબીસી લંડન પર પ્રથમ પ્રસારિત થયા હતા. સરકારને પણ ત્યારે ખબર પડી હતી. બીજે દિવસે સવાર પડતાજ રાજકોટથી સેવાભાવીઓ મોરબી (શહેરમા પ્રવેશવું અતિ મુશ્કેલ હોવા છતાં) સનાળા રોડ પર આવી પહોંચ્યા હતા અને બિસ્કીટ, ફૂડ પેકેટ સહિત ખાદ્યસામગ્રી વિતરણ કરી રહ્યા હતા. પોતાનું સર્વસ્વ ગુમાવી, જાન બચાવી મોરબીથી રાજકોટ પહોંચેલા અને નિરાધાર લોકો ને પોતાને ત્યાં આશરો આપવા સાથે સધિયારો પુરો પાડી માનવતા મહેકાવનાર રાજકોટવાસીઓને મોરબી કયારેય નહી. ભુલે!
એડ. કિશોરભાઇ દફતરી અને રતિભાઇ દેસાઇને મોરબી કયારેય નહીં ભૂલે !
સતત ત્રણ ચાર દિવસથી મોરબીમાં પડી રહેલા અનરાધાર વરસાદને કારણે નદી વિસ્તારમા ન જવાની અને લોકોએ સાવચેત રહેવાની માઇક દ્વારા પાલિકાની જીપમાં જાહેરાત નીકળેલા મોરબીના બાહોશ અને સેવાભાવી યુવા એડવોકેટ પણ મચ્છુના ધસમસતા પ્રવાહમાં કયાં ગરકાવ થયા તે આજે પણ પ્રશ્ન છે.
એક તરફ મોરબી હતુ ન હતુ થય ગયુ હતુ, કોઈ કોઈને દિલાસો આપવા વાળુ નહોતું, લોકો આશ્રય સ્થાન શોધવા મોરબી છોડી ભાગી રહ્યા હતા.
ત્યારે તત્કાલીન મોરબી નગર પાલિકા પ્રમુખ રતિલાલ દેસાઈ નો પણ એક પુત્ર લાપતા હતો.. કદાચ એ પુરનો ભોગ બન્યો હતો.
પુત્રની શોધખોળના અંતે નિરાશા મળી હતી. પરંતુ મોરબી પર આવી પડેલ મહાસંકટમાં પણ પ્રજા, શહેર માટે તેમની ફરજમાં કામે લાગી ગયા હતા. અને પુત્રના વિયોગની પીડા.... કદાચ મનોમનમાં ‘દિવ્ય સ્મળતિ' સમજી સાચવી લીઘી હતી.
મોરબી મચ્છુ જળ હોનારતના દિવંગતોની સ્મૃતિમાં રવિવારે મૌન રેલી નીકળશે
મોરબીઃ ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ના દિવસે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ તૂટી પડતા તારાજી સર્જાઈ હતી જેમાં અસંખ્ય નિર્દોષ નાગરીકો અને પશુઓના મોત થયા હતા ત્યારે દર વર્ષે મળતકોની સ્મળતિમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત મચ્છુ જળ હોનારતની તારીખે રવિવારે મૌન રેલી યોજાશે.
તા. ૧૧ ઓગસ્ટને રવિવારના રોજ મચ્છુ જળ હોનારતની તિથી નિમિતે બપોરે ૩:૧૫ કલાકે નગરપાલિકા કચેરીથી મૌન રેલી નીકળશે અને મળતાત્માઓના સ્મળતિ સ્તંભ મણી મંદિર ખાતે ૩:૩૦ કલાકે પૂર્ણ થશે જ્યાં પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનીટ મૌન પાળી મળતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
