News of Saturday, 10th August 2024
ચરાડવાના સુપ્રસિધ્ધ મહાકાળી માતાજીના આશ્રમમાંથી ૩ કિલોના ચાંદીના ૨ છતરની ચોરી
ભાવિકોમાં ભારે રોષ : રાજદીપસિંહ ઝાલાની ફરીયાદ બાદ ડોગ સ્કવોડ અને પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૧૦: ચરાડવાના સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના આશ્રમમાંથી ચાંદીના છતરની ચોરી થતા ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ બનાવ અંગે હળવદ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
પ્રાપ્ત માહીતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ સુપ્રસિદ્ધ મહાકાળી આશ્રમમાં મહાકાળી માતાજીના મંદિરમાંથી અજાણ્યા તસ્કરો ત્રણ કિલોગ્રામ વજનના બે છતરની ચોરી કરી છે.
મોરબી - હળવદ રોડ ઉપર આવેલ ચરાડવા ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ મહાકાળી આશ્રમમાં મહાકાળી માતાજીના મંદિરમાંથી અજાણ્યા તસ્કરો ચાંદીનું બે કિલોગ્રામ વજનનું એક તેમજ એક કિલોગ્રામ વજનનું એક છતર ચોરી કરી લઈ જતા કુલ ત્રણ કિલોગ્રામ વજનના ચાંદીની ૭૫ હજારની ચોરી થવા મામલે મોરબી ખાતે રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે ફરીયાદી રાજદીપસિંહ ઝાલાએ અકિલાને જણાવ્યું હતું કે, ફરીયાદ બાદ ડોગ સ્કવોડની ટીમ તથા પોલીસ કાફલો હળવદ મંદીરે આવ્યો હતો અને જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે. પીએસઆઇ શ્રી વ્યાસની આગેવાનીમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
