<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

મોરબીઃ સીરામીક ફેકટરીમાંથી પ્‍લેટીનયમ અને કોપર વાયર ચોરતી તસ્‍કર ત્રિપુટી પકડાઇ

વાંકાનેર પંથકની ચોરીનો ભેદ ખુલ્‍યોઃ ૧૦.૪૭ લાખનો મુદામાલ કબ્‍જેઃ ચોરાઉ માલ ખરીદનાર ભંગારના ડેલાવાળો પણ પોલીસના સકંજામાં

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)  મોરબી, તા.,૧૦ :  વાંકાનેર તાલુકાના ઢુવા વિસ્‍તારની અલગ અલગ સિરામિક કંપનીઓમાંથી કોપર વાયર અને થર્મોકપલમાંથી નીકળતા પ્‍લેટિનિયમ તારની ચોરી કરનાર ત્રણ શખ્‍સો અને માલ ખરીદનાર ભંગારના ડેલાવાળા શખ્‍સ સહિત કુલ ચાર આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

વાંકાનેર તાલુકામા આવેલ ઈટાલીનો ટાઈલ્‍સ એલએલપી, ગ્રીનસ્‍ટોન ગ્રેનાઈટો તથા સોલીજો વિટ્રીફાઈડ કંપનીમાં થયેલી કોપર વાયર તથા થર્મોકપલની ચોરીના બનાવનો વાંકાનેર તાલુકા પોલીસે ભેદ ઉકેલી નાખી આરોપી દિવ્‍યેશ ઝાલા (ઉં.વ. ૨૬), મીત પરમાર (ઉં.વ. ૧૯), મંતવ્‍ય મોરી (ઉં.વ. ૨૨) તથા ભંગારના ડેલાવાળા બીબાલ રફીકભાઈ કચ્‍છી (ઉં.વ. ૨૮)ને ઝડપી પાડવામાં આવ્‍યા છે.

વધુમાં કિંમતી પ્‍લેટીનીયમ ધાતુના તાર અને કોપર વાયરની ચોરીના આ કિસ્‍સામાં આરોપી દિવ્‍યેશ ઝાલા માટેલ ચોકડી પાસે આવેલા લીવીઝોન કારખાનામાં વાયરમેન તરીકે કામ કરતો હોય આજુબાજુમાં આવતા કારખાનાની દિવસના સમયે રેકી કરી તેના મિત્રો મીત પરમાર તથા મંતવ્‍ય મોરી સાથે રાતના સમયે કારખાને જઈને દિવ્‍યેશ તથા મંતવ્‍ય કારખાનાની અંદર જઈ ચોરી કરતા અને મીત કારખાનાની બહાર રહી ધ્‍યાન રાખતો અને ચોરી કરીને ચોરીનો મુદ્દામાલ કોપર વાયર ભંગારના ડેલાવાળા બીલાલ રફીકભાઈ કચ્‍છીને વેચી નાખતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્‍યું છે.

હાલમાં વાંકાનેર પોલીસે આરોપીઓ પાસેથી ૫,૪૦,૦૦૦ રૂપિયાની કિંમતનો કોપર વાયર, ૪,૨૬,૨૫૦ની કિંમતનો થર્મોકપલમાંથી કાઢેલ પ્‍લેટિનિયમ તાર, ૪૦ હજારની કિંમતનું એક એક્‍ટિવા, ૩૫ હજારની કિંમતના મોબાઈલ ફોન નંગ-૪ તથા ૨૫૦૦ રૂપિયા રોકડા મળી કૂલ ૧૦,૪૩,૭૫૦નો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો છે. આ સફળ કામગીરી પીએસઆઇ એલ.એ.ભરગા સહિતની ટીમે કરી હતી.

(1:53 PM IST)