<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

પોરબંદરમાં ST બસના કંડક્ટરની સરાહનીય કામગીરી: ગુમ થયેલા કિશોરનો ફોટો વોટ્સએપ ગ્રુપમાં આવ્યો'તો અને તે કંડક્ટરની સામે જ બેઠો હતો, નજર ચૂકવીને ભાગ્યો છતા આ રીતે કરાવ્યું પરિવાર સાથે મિલન

બસ સ્ટેન્ડથી થોડે દૂરના વિસ્તારમાંથી શોધી કાઢી તેના વાલીને ઓળખ પરેડ માટે વીડિયો કોલિંગથી વાત કરતા તેમના વાલીએ આ બાળક તેમનું હોવાનું જણાવતા પોરબંદર એસ.ટી. ડેપો મેનજર પી.બી. મકવાણાની રૂબરૂમાં બાળકનો તેમના વાલી સાથે મિલાપ કરાવી દેવાયો

જુનાગઢ તા.૧૦ :  જૂનાગઢ દ્વારકા રૂટની ST બસમાં આવેલા 14  વર્ષના એક કિશોરને STના સ્ટાફે મહામહેનતે તેના પરિવારને સોપ્યો હતો. મહત્વનું છે કે, એક 14 વર્ષનો કિશોર ઘરેથી ભાગી ગયો હોવાની માહિતી અને તેનો ફોટો ST ડેપોના ગ્રુપમાં આવ્યો હતો. જે ફોટો STના કંડક્ટરે જોયો હતો . 

મળતી માહિતી મુજબ, જૂનાગઢ દ્વારકા રૂટની ST બસ કુતિયાણા નજીક પહોંચી ત્યારે GSRTના વોટ્સએપ ગ્રુપમાં એક કિશોર ઘરેથી કોઈને કહ્યા વગર ભાગી ગયાની અને જો કોઈને મળે તો તેના પિતાને જાણ કરવાની વિનંતીવાળો મેસેજ આ બસમાં ફરજ પરના જૂનાગઢ ડેપોના કંડક્ટર એન. કે. ભારાઈએ જોયો હતો. આ મેસેજમાં તે કિશોરનો ફોટો જોયા પછી કંડક્ટરને તેની બસમાં મુસાફરી કરી રહેલા એક કિશોર ઉપર શંકા જતા તેમણે નામ સરનામા વિશે પૂછપરછ કરી પરંતુ તેણે હકીકત જણાવી નહતી. 

આ બાળક ખોટું જ બોલે છે તે બાબત પાક્કી થતા કંડક્ટરે પોરબંદર ડેપોના એ.ટી.આઈ.  એચ.આર ઓડેદરાને વાકેફ કર્યા હતા. બસ કુતિયાણાના બસ સ્ટેન્ડમાં પહોંચી ત્યારે મુસાફરોની ચઢ ઉતરમાં આ બાળક કંડક્ટરનું ધ્યાન ચુકવીને છટકી ગયો હતો. 

આ‌ પછી પોરબંદર ડેપોના એ.ટી.આઈ.એ તે બાળકની શોધખોળ કરી બસ સ્ટેન્ડથી થોડે દૂરના વિસ્તારમાંથી શોધી કાઢી તેના વાલીને ઓળખ પરેડ માટે વીડિયો કોલિંગથી વાત કરતા તેમના વાલીએ આ બાળક તેમનું હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન કમલાબાગ પોલીસ સ્ટેશને આ બાબતની જાણ કરવામાં આવી હતી અને પોરબંદર એસ.ટી. ડેપો મેનજર પી.બી. મકવાણાની રૂબરૂમાં આ બાળકનો તેમના વાલી સાથે મિલાપ કરાવી દેવાયો હતો.

(4:48 PM IST)