<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

લીમડીમાં તબીબીની સલાહ બાદ ગર્ભપાત કરાવ્યા પછી સગર્ભા ઉઠી જ નહીં: પરિવારે બેદરકારીનો આક્ષેપ કર્યો

સગર્ભાના મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો : પરિણીતાના મોતથી નવ માસની માસૂમ બાળકીએ માતાની મમતા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખંભલાવ ગામે રહેતી પરિણીતાને પાંચમા માસે લીમડીમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવવા ગયા હતા. જ્યાં ખાનગી હોસ્પિટલના તબીબે બાળક નીચે આવી ગયું હોવાનું જણાવી ગર્ભપાત કર્યો હતો. ગર્ભપાત કરાવ્યા બાદ સગર્ભાનું બેભાન હાલતમાં મોત નીપજતા પરિવારે તબીબી બેદરકારીનો આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે સગર્ભાના મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે. પરિણીતાના મોતથી નવ માસની માસૂમ બાળકીએ માતાની મમતા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, લીંબડી તાલુકાના ખંભલાવ ગામે રહેતી પુરીબેન ભરતભાઈ કાલીયા (30) નામની પરિણીતાને પાંચ માસનો ગર્ભ હતો. પૂરીબેનને બાળક નીચે હોવાના કારણે લીંબડીમાં આવેલી ડોક્ટર દીપેન પટેલની નિષ્ઠા હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હતો.

જો કે ગર્ભપાત કરાવ્યા બાદ પૂરીબેન કાલીયાનું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. પરિણીતાના મોતથી નવ માસની માસૂમ બાળકીએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પરિવારે તબીબી બેદરકારીનો આક્ષેપ કરતા પરિણીતાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.


 

(12:06 AM IST)