News of Monday, 12th August 2024
જૂનાગઢઃ શ્રીજી ક્રેડિટ સોસાયટી છેતરપિંડી કેસમાં રિમાન્ડ પુરા થતા ચેરમેન સહિત ૩ આરોપી જેલહવાલે
સોસાયટીની બે જગ્યાએથી સાહિત્ય કબજે, સીલ લગાવી દેવાયું

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૨: છેતરપિંડી કેસ મામલે જુનાગઢની શ્રીજી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના ચેરમેન સહિત ત્રણ આરોપીને રિમાન્ડ પૂરા થતા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ છેતરપિંડીનો આંક ૧.૫૬ કરોડથી વધુ હોવાનું અને આ બારામાં ૫૦ લોકો સામે આવ્યા છે.
જોષીપરા વિસ્તારમાં કિરણભાઈ દત્તાત્રેયભાઈ દયાળ નામના રોકાણકારે શ્રીજી ક્રેડિટ કો-ઓપરેટીવ ચેરમેન ભુવન જયવંતભાઈ વ્યાસ, મેનેજિંગ ડાયરેક્ટર પરાગ રમેશભાઈ નિમાવત, મેનેજર ઉત્તમ દેવશીભાઈ કાછડીયા સામે વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ કેસમાં એસઓજીએ ત્રણેય આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવીને તપાસ અને પૂછપરછ હાથ ધરી હતી.
એસઓજીના પીઆઈ પી. કે. ચાવડાએ જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે સંસ્થાની ઓફિસ બંધ કર્યા બાદ જૂનાગઢમાં બે સ્થળે સંસ્થાનું સાહિત્ય સહિતના દસ્તાવેજો છુપાવવામાં આવ્યા હતા. શહેરના ગોધવાવ પાટી વિસ્તારમાં આવેલ ગોડાઉન અને ઝાંઝરડા ચોકડી નજીકના શુભ પ્લાઝા કોમ્પ્લેક્સમાંથી સંસ્થાનું સાહિત્ય કબજે કરી બંને જગ્યાએ સીલ લગાવી દેવામાં આવ્યું છે. આ લોકોની છેતરપિંડીનો ભોગ બન્યા હોય એવા લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તબક્કે ૫૦ જેટલા લોકોના નિવેદન નોંધવામાં આવતા હાલ ૧.૫૬ કરોડની છેતરપિંડીનો આંક સામે આવ્યો છે. જોકે હજુ આ અંક વધવાની શકયતા છે. અત્યારે તો સંસ્થાની છેતરપિંડીનો ભોગ ૫૦ રોકાણકારો બન્યા હોવાનું જણાયું છે. નિવેદન લેવાની પ્રક્રિયા હજુ જારી છે અને ભોગ બનેલા લોકો પણ આવી રહ્યા હોય એક અઠવાડિયા બાદ શ્રીજી ક્રેડિટ કો. ઓ. સોસાયટીનાં સંચાલકોએ કેટલા લોકોને શીશામાં ઉતાર્યા છે તે જાણી શકાશે.
રવિવારે ચેરમેન સહિતના ત્રણ આરોપીના રિમાન્ડ પૂરા થતા ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને અદાલતે ત્રણેયને જેલ હવાલે કરવાનો હુકમ કરતા એસઓજી દ્વારા ત્રણેય આરોપીને જુનાગઢ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
