<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

ગુણવત્તાભર્યું શિક્ષણ એ ચારિત્ર્યનું ઘડતર અને સંસ્‍કારોનું સિંચન કરે છેઃ કુંવરજીભાઈ બાવળીયા

રૂ. ૩.૩૦ કરોડના ખર્ચે બનેલી જસદણના ગોડલાધાર માધ્‍યમિક શાળાનું લોકાર્પણઃ‘એક વૃક્ષ માતાના નામે' અભિયાનમાં જોડાવવા અનુરોધ

રાજકોટ, તા. ૧૨: ગુજરાત સરકાર જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્‍તે જસદણ તાલુકાના ગોડલાધાર ગામ ખાતે રૂ. ૩.૩૦ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી માધ્‍યમિક શાળાનું લોકાર્પણ કરાયું હતું.

આ તકે કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, એક વર્ષ પહેલાં આ શાળાનું ખાતમુહૂર્ત કર્યા બાદ લોકાર્પણનો અવસર સાંપડ્‍યો, એ મારું સદભાગ્‍ય છે. ગુણવત્તાભર્યું શિક્ષણ એ ચારિત્ર્યનું ઘડતર અને સંસ્‍કારોનું સિંચન કરે છે. તેથી, ગુજરાતનાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્‍ય અર્થે સતત ચિંતિત છે. વિદ્યાર્થી શાળામાં પ્રવેશ મેળવે, ત્‍યારથી લઈને કોલેજમાં ઉચ્‍ચ અભ્‍યાસ સુધીના અભ્‍યાસ માટે સરકાર આર્થિક રીતે સહાયરૂપ બની રહી છે. જસદણ-વીંછિયા પંથકના વાડી વિસ્‍તારમાં રહેતા છેવાડાના માનવીનું બાળક પણ અશિક્ષિત ન રહી જાય, તે માટે સીમ શાળાઓ કાર્યરત છે. ત્‍યારે મારી નમ્ર અરજ છે કે વાલીઓ સંતાનોને ખૂબ ભણાવે-ગણાવે અને સરકારી શાળાઓમાં પ્રવેશનો આગ્રહ રાખે.

આ શાળાના પ્રાંગણમાં બાળાઓએ કુમકુમ તિલકથી મંત્રીશ્રીનું સ્‍વાગત કર્યું હતું. મહેમાનોએ દીપ પ્રાગટ્‍યથી કાર્યક્રમનો આરંભ કર્યો હતો. મંત્રીશ્રીએ શાળામાં લેબોરેટરી, લાયબ્રેરી, ક્‍લાસ રુમનું નિરીક્ષણ કરીને આવશ્‍યક માર્ગદર્શન આપ્‍યું હતું.ᅠ

આ તકે મંત્રીશ્રીએ સ્‍વાગત ગીતનું નૃત્‍ય રજૂ કરતી વિદ્યાર્થીનીઓને બિરદાવીને ઈનામ આપ્‍યા હતા. કાર્યક્રમના અંતે ધો. ૯ અને ધો. ૧૦ના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું હતું. આચાર્યશ્રી વૈશાલીબેન ધંધુકીયાએ શાબ્‍દિક સ્‍વાગત, અગ્રણીશ્રી ખોડાભાઈ ખાસિયા અને ભાવેશભાઈ વેકરીયા એ પ્રાસંગિક ઉદબોધન તેમજ કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી વિજયભાઈ દેસાણીએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિતભાઈ પટેલ, મામલતદાર એમ. ડી. દવે, અગ્રણીશ્રીઓ અશોકભાઈ ચાઉં અને મનસુખભાઈ જાદવ સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.હાલ આ શાળામાં કુલ ૭૯ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે. આ શાળામાં વિદ્યાર્થીઓને સરકારની નમો લક્ષ્મી, મુખ્‍યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્‍કોલરશીપ, સરસ્‍વતી સાધના સહિતની યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. અહીં માસિક એકમ કસોટી, વિદ્યાર્થીનીઓ માટે આત્‍મરક્ષણ તાલીમ, ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે રાઉન્‍ડ ટેસ્‍ટ, પિરિયોડિકલ ટેસ્‍ટ જેવું પરિણામલક્ષી આયોજન કરવામાં આવે છે. (૨૨.૯)

 

(12:25 PM IST)