News of Monday, 12th August 2024
શૈક્ષણિક સંકુલમાં મહિલા ઉપર થતા અત્યાચારમાં કડક કાર્યવાહીની જેનીબેન ઠુંમરની માંગણી
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખે ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવ્યો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૨: તાજેતરમાં રાજકોટ જિલ્લાનાં આટકોટ ખાતે પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થામાં દિકરીઓના શોષણ બાબતે પ્રત્યાઘાત આપતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ, અમરેલી જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંકુલમાં રાજકીય પદાધિકારીઓ દ્વારા સામાન્ય અને ગ્રામ્ય ગરીબ દિકરીઓનું શોષણ થઈ રહ્યું છે. રાજકોટ જિલ્લાનાં આટકોટ ખાતે પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થામાં જે બનાવ બનેલ છે તેવા અનેક બનાવો શૈક્ષણિક સંકુલમાં બનતા હોવાની બિનસત્તાવાર મને જાણવા મળેલ છે. મધ્યમવર્ગની દિકરીઓ કે જેમની સાથે આવું કૃત્ય બનેલ છે તે દિકરીઓ પોતાનું ભવિષ્ય અને આબરૂ જવાનાં ડરથી પોતાના ઉપર લાગેલો ડાગ છુપાવવા હકીકત કોઇને જણાવતી નથી. ના છુટકે કોઇ દિકરી પોતાની અને પોતાના કુટુંબની ભવિષ્યની ચિંતા કર્યા વગર હિંમત જુટાવીને બહાર આવે તો તેને રાજકીય સંડોવણીના ભાગરૂપે કોઇના કોઇ રીતે પ્રકરણ દબાવી દેવામાં આવે છે તેનાં કારણે આવી રાક્ષસી પ્રવૃતિ માનસ ધરાવતા લોકો તેની મજબુરીનો સતત ગેરલાભ ઉઠાવતા હોય છે. સરકાર ‘બેટી બચાવ'ના નારા લગાવે છે ત્યારે બીજી બાજુ દિકરીઓ સલામત નથી રહી. ડ્રગ્સ, દારૂ, અસામાજીક પ્રવૃતિ, અભ્યાસ કરતી દિકરીઓ તેમજ મહિલાઓની સલામતી તે આપણી સંસ્કૃતિ વિરૂધ્ધનું કૃત્ય છે.
તંત્રમાં ભ્રષ્ટ્રાચાર વ્યાપો છે, પોલીસ અને બ્યુરોક્રેટ્સ ૭૦% સાચી પ્રવૃત્તિ કરી નિયમ પ્રમાણે ચાલતા હશે પરંતુ અત્યારે છાશવારે ACB માં પકડાતા તંત્રના અધિકારીઓ સરકારનો મચમોટો પગાર મેળવી ભ્રષ્ટ આચરણ કરી રહ્યા છે તે બાબતે પણ સરકારે ગંભીરતાપુર્વક વિચારવાની જરૂરીયાત ઉભી થઈ છે. પોલીસ વિભાગનાં અમુક IAS અધિકારીઓની કામગીરી સારી છે ભ્રષ્ટ્રાચાર કોણ કરે છે તે પણ તંત્ર જાણતું જ હશે છતા મૌન સેવી રહ્યું છે. આવા ભ્રષ્ટ્ર અધિકારીઓને સાઇડ પોસ્ટ ઉપર મુકી અને નિષ્ઠાવાન અધિકારીઓ જે કદાચ રાજકીય રીતે આપણું ન માનતા હોય તો પણ મજબુત મનોબળ ધરાવતી વર્ષોથી ભાજપ સરકારે ઠોષ નિર્ણયો લેવા જરૂરી બન્યા છે. આટકોટ તો એકમાત્ર દાખલો છે એક મહિલા રાજકીય આગેવાન તરીકે મારી સમક્ષ ન બોલવાની શરતે ખાનગીમાં આવી અનેક રજુઆતો આવતી રહે છે. મારી મજબુરીને ધ્યાને રાખી, ખાનગીમાં કરેલી રજુઆતને તે મહિલાઓના ભવિષ્યને નુકશાન ન થાય તે રીતે તેમને મદદ કરવા માટેના પ્રયાસો કરીએ છીએ પરંતુ નિરંથક જતા હોય છે. આવા સંજોગોને ધ્યાને લઈ આટકોટ ખાતે બનેલ બનાવની ગંભીરતાપુર્વક તપાસ કરવા તેમજ આવા બનાવો જે જગ્યાએથી થોડા ઘણા બહાર આવે ત્યાં ખાનગીરાહે ખુબજ ઊંડાણપુર્વક તપાસ કરી આવા તત્વોને કડકમાં કડક સજા કરવા શ્રી જેનીબેન ઠુંમરે માંગ કરી છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
