News of Tuesday, 13th August 2024
ભાવનગરના સાયન્સ શિક્ષક સાઇબર ક્રાઇમનો શિકાર બન્યા : ગઢીયાઓએ રૂા. ૫૩ લાખ પડાવી લીધા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩ : ભાવનગરમાં શેર બજારમાં ટ્રેડિંગના નામે સાયન્સ શિક્ષક સાથે રૂ.૫૩ લાખની છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે. સાઈબર ગઠિયાઓએ શિક્ષકને ઓછા રૂપિયે વધુ નફાની લાલચ આપી બાટલીમાં ઉતાર્યા બાદ રકમ પડાવી લઈ વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.
કાળિયાબીડ, સરદાર પટેલ સંકુલમાં આવેલા સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અને ધો.૧૧-૧૨માં કેમેસ્ટ્રી શિક્ષક તરીકે નોકરી કરતા ચેતનભાઈ વિનોદભાઈ જોષી (ઉ.વ.૩૮, રહે, મુળ ધારપીપળા, તા.બોટાદ)એ તેમના ફેસબુક પેજ પર ગત તા.૨૮-૪ના રોજ તેમના શેરબજારને લગતી આવેલી જાહેરાતમાં આપેલી લીન્ક મારફત અવેન્ડસ બિઝનેસ સ્કૂલ નામનું વોટ્સએપ ગુ્રપ જોઈન કર્યું હતું. જેમાં સ્ટોક માર્કેટને લગતા સમાચાર અને ટ્રેડીંગની ટીપ્સ આવતી હોય, થોડા દિવસ પછી ગુ્રપમાં એપ્લીકેશન ડાઉનલોડ કરવાની લીંક આવતા શિક્ષક ચેતનભાઈએ તે આફમેપ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ ઓટીસી ટ્રેડીંગ વિશે મેસેજ તેમજ ઓછા ભાવે સ્ટોક મેળવી સારો નફો કરવા અને આઈપીઓ લાગશે-નફો થશે તેવું જણાવતા શિક્ષકે તેમાં એકાઉન્ટ બનાવ્યું હતું અને એપ્લીકેશન મારફત સ્ટોક ખરીદી તેમના અને તેમના પિતાના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂા.૫૩,૯૦,૦૦૦ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. દરમિયાનમાં ગત તા.૧૪-૬ના રોજ તેમના પિતાના બેન્ક એકાઉન્ટમાંથી ભેજાબાજ શખ્સોએ રૂા.૮૩,૦૦૦ વીડ્રો કરવા દીધા હતા અને બીજી રકમ ઉપાડવાની રિક્વેસ્ટ કરતા ટેક્સ અને બીજા ચાર્જીના વધુ પૈસા ભરવા પડશે તેમ કહીં વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.
આમ, શેર બજારમાં ટ્રેડીંગના નામે સાયન્સના શિક્ષકને ગઠિયાઓએ સાઈબર ફ્રોડનો શિકાર બનાવી રૂા.૫૩,૦૭,૦૦૦ની રકમ ચાઉં કરી જતાં ચેતનભાઈ જોષીએ આજે સોમવારે ભાવનગર સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે ગુનો દાખલ કરી વધુ પોલીસે તપાસ હાથ ધરી હતી.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
