News of Thursday, 15th August 2024
જામનગર જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની કાલાવડ ખાતે ઉજવણી કરાઇ
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગલચરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પ્રકૃતિપ્રેમીઓનું સમ્માન કર્યું

જામનગર:જામનગર જિલ્લા કક્ષાના 75 માં વનમહોત્સવની ઉજવણી કાલાવડ તાલુકાની જે.પી.એસ સ્કૂલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગલચરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પર્યાવરણની જાળવણી કરનાર પ્રકૃતિ પ્રેમીઓનું સમ્માન કરવામાં આવ્યું હતું. બાદમાં શાળાના પટાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને વિનલમૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના મહાન સપૂત અને દીર્ધદ્રષ્ટા સ્વ. કનૈયાલાલ મુનશીજીએ ગુજરાતમાં સૌ પ્રથમ વનમહોત્સવની શરૂઆત કરાવેલ હતી. તે સમયથી વૃક્ષોના પર્વ એવા વનમહોત્સવની ઉજવણી ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા.5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે “એક પેડ માં કે નામ” અભિયાનની શરૂઆત કરાવી દરેક વ્યક્તિને માતાના નામથી વૃક્ષારોપણ કરી તેનું જતન કરવા અપીલ કરી હતી. જેથી આપણે સૌએ આપણી માતાના નામે એક વૃક્ષ વાવી આ અભિયાનમાં સહભાગી થવું જોઈએ. વૃક્ષોએ મનુષ્યના મિત્રો સમાન છે. વૃક્ષનો ઉછેર કરવાથી તે આપણને ફળ,ફૂલ,છાંયડો, ઑક્સીજન આપે છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની આગેવાનીમાં જામનગર વન વિભાગ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે તે બદલ ધારાસભ્યએ વનવિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ઉપસ્થિત સર્વે લોકોને એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થવા વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે લોકોને રોપ ઉછેર માટેના રોપા નજીવા દરે મળી રહે તે માટે ચાલુ વર્ષે વન મહોત્સવ દરમિયાન જામનગર જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 7 ખાતાકીય નર્સરી તથા 32 વિકેન્દ્રિત પ્રજા નર્સરીઓમાં અંદાજિત 18 લાખ જેટલા રોપાઓ વિતરણ તથા વાવેતર માટે ઉછેરવામાં આવ્યા છે. તેમજ ચાલુ વર્ષે જિલ્લામાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 198 હેક્ટરમાં વાવેતર કરવામાં આવી રહેલ છે. હરિત વસુંધરા યોજના હેઠળ પંચરત્ન ગ્રામ વાટિકા મોડેલ હેઠળ 15 ગામોમાં 50-50 રોપાઓનું ટ્રીગાર્ડ સાથે વાવેતર કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને તેમજ મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. વૃક્ષોનું પતન કરવાથી માનવ જીવન કેટલું ખતરામાં મુકાય છે તેનો સુંદર સંદેશો કૃતિના માધ્યમથી બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં એક પેડ માં કે નામ ગીત અંગેની તેમજ તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપૂર તાલુકાના ગાંધવી ખાતે 75માં રાજ્યકક્ષાના કાર્યક્રમ હેઠળ 23મુ સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનની રચના કરવામાં આવી હતી તેની ડોક્યુમેન્ટરી ઉપસ્થિત સર્વેએ નિહાળી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણની પ્રશંસનીય કામગીરી કરનાર ત્રણ પ્રકૃતિ પ્રેમીઓનું તેમજ વનીકરણની કામગીરી કરનાર બે વનરક્ષકોનું સમ્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અગ્રણી રમેશભાઈ મૂંગરા, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ગોમતીબેન, કાલાવડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન પાનસુરીયા, જામનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક આર. ધનપાલ, સામાજિક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકાના નાયબ વન સંરક્ષક અરુણકુમાર, જિલ્લા પુરવઠા અધિકારી બારડ, અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધ્રોલ રેન્જ ફોરેસ્ટ ઑફિસર ડી.એચ.સોરઠિયા દ્વારા સ્વાગત પ્રવચન તેમજ વનપાલડી.એમ. દાફડા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન હરીદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
