<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

જામનગરમાં જન્માષ્ટમી પર્વ પૂર્વે ધાર્મિક બેનરો હટાવાતા વિવાદઃ જામ્યુકોના પદાધિકારીઓના બેનરો પણ હટાવાયા

જામનગરમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા, દંડક સહિતના લાલ બંગલા સર્કલમાં લાગતા બેનરો એસ્ટેટ શાખા દ્વારા હટાવાયાઃ છેલ્લા 17 વર્ષથી નિકળતી જન્માષ્ટમી ની શોભાયાત્રાના પ્રતિવર્ષ શહેરના વિવિધ સર્કલો અને જાહેર સ્થળોએ બેનરો લગાડવામાં આવી રહ્યા છેઃ અચાનક જ કમિશનર કે ક્યાં અધિકારીને આ બેનરો ખૂચ્યા ?

 

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ ભાજપના શાસનમાં જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાના બેનરો હટાવાયા, જામનગર મહાનગર પાલિકાના કમિશનર અને એસ્ટેટ વિભાગના અધિકારી દીક્ષિતની સૂચનાથી દ્વારા  કરવામાં આવી છે. તમામ જગ્યાએ મહાનુભાવોની પ્રતિમાને અડચણ ન થાય તે પ્રકારે પગવાયેલા બેનરો ધ્યાને આવે છે. પરંતુ અનેક ગેરકાયદેસર બાંધકામો અને અડીંગાઓ સરકારી બાબુઓને દેખાતા નથી? સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આ કામગીરી કરાઇ કે પછી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના વધામણા થઇ રહ્યા છે. ત્યારે તેની વરવી માનસિકતા દેખાડે છે. શું સતાધારી પક્ષ ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓની પણ ગણકારતા નથી..? પ્રતિવર્ષ લાગતા શુભેચ્છા બેનરો જન્માષ્ટમી પહેલા જ નડ્યા?

જામનગરના લાલ બંગલા સર્કલમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક વક્ષ નેતા આશિષભાઈ જોશી અને દંડક કેતનભાઇ નાખવા ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી તેમજ અન્ય મહાનુભાવોના શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા માટેના શુભેચ્છા બેનર હટાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી અહીં બેનર લગાવવામાં આવે છે છતાં કયા કારણોસર બેનર હટાવવામાં આવ્યા ? તેને લઈને અનેક ચર્ચાઓ ઊઠી છે. ભાજપના સત્તાધારી પક્ષના નેતાઓના પણ ફોટા અને નામ સાથેના બેનરો એસ્ટેટ શાખા દ્વારા ઉતારવામાં આવતા ખુદ સત્તા પક્ષનું જ કંઈ ચાલતું ન હોય તેવો ઘાટ સામે આવ્યો છે. જામનગર મહાનગરપાલિકામાં અધિકારી રાજનું વધુ એક વાર ઉદાહરણ પણ સામે આવ્યું છે.

જન્માષ્ટમી પહેલા જ મહાનગરપાલિકા દ્વારા બેનર હટાવતા વિવાદ ઉભો થયો છે. હિન્દુત્વવાદી ભાજપ સરકારનું જ્યાં કોર્પોરેશનમાં શાસન છે ત્યાં ભગવાન કૃષ્ણના ફોટા સાથેના સાર્વજનિક શોભાયાત્રા ના બેનરો હટાવવા જ વિવાદ સર્જાયો છે. તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર

(1:12 PM IST)