<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ઉભેલી રીક્ષામાં સ્‍કોર્પીયો ભટકાડી બચુભાઇને રેતીનો ધંધો બંધ કરવા નવઘણ બાંભવાની ધમકી

ગવરીદળ ગામે બનાવઃ કુવાડવા પોલીસે મોરબીના કૌટુંબીક ભત્રીજા સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૬ :.. ગવરીદળ ગામમાં ઉભેલી રીક્ષામાં સ્‍કોર્પીયો ભટકાડી યુવાન તેના કાકાને બીક બતાવી રેતીનો ધંધો બંધ કરી દેવાની ધમકી આપતા મોરબીના કૌટુંબીક ભત્રીજા સામે કુવાડવા રોડ પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગવરીદળ ગામમાં કમાણી શેરીમાં રહેતા બચુભાઇ નાગજીભાઇ બાંભવા (ઉ.૩૭) એ કુવાડવા રોડ પોલીસ મથકમાં મોરબીના નવઘણ મેપાભાઇ બાંભવા સામે ફરીયાદ નોંધાવી છે. બચુભાઇએ ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતાને બે ટ્રેકટર હોઇ જેમાં ડ્રાઇવીંગ કરે છે. પોતે ગામમાં વરદાના હાર્ડવેરની સામે ખરાબામાં ઓરડી બનાવી રેતીનો સટ્ટો રાખી ટ્રેકટરથી ફેરા કરે છે. ગઇકાલે પોતે ઓરડીએ હતાં. ત્‍યારે મોરબીમાં રહેતો કૌટુંબિક ભત્રીજો નવઘણ મેપાભાઇ બાંભવા જેનો પાર્ટનર પોતાનો ભાઇ નારણ નાગજીભાઇ બાંભવા છે, તે નવઘણનો પોતાના મોબાઇલ ફોનમાં ફોન આવતા તેણે કહેલ કે તુ કયાં છે. પોતે હું ગવરીદળ ગામમાં આવ્‍યો છું. મારા રેતીના સટ્ટે છું, તેમ કહેતા થોડીવાર બાદ નવઘણ પોતાની સ્‍કોર્પીયો લઇને આવ્‍યો હતો. અને પોતાને કહેવા લાગેલ કે ‘તે આ રેતીનો સટ્ટો કરેલ છે તે રહેવા દેવો નથી અને તુ ખાલી કરીને જતો રહે મારે તથા તારા ભાઇ નારણને અહી ઓફીસ બનાવવી છે' તેમ કહેતા પોતે ના પાડતા નવઘણે ઉશ્‍કેરાઇ જઇ પોતાને ગાળો દેવા લાગતા બંને એકબીજા સામ સામે આવી ગયા હતા અને નવઘણે કહેલ કે ‘તુ રેતીનો સટ્ટો ખાલી નહી કરે તો તારા ટાટીયા ભાંગી નાખીશ તેમ કહી ધમકી આપી ત્‍યાંથી જતો રહ્યો હતો. બાદ પોતાને બીક લાગતા કાકાને ફોન કરતા કાકા રાણાભાઇ જાગાભાઇ બાંભવા થોડીવારમાં રીક્ષા લઇને આવ્‍યા અને રીક્ષા રોડ સાઇડમાં રાખી પોતાની પાસે આવ્‍યા ત્‍યાં ગામમાં રહેતા મંગાભાઇ ભીમાભાઇ બાંભવા ત્‍યાં આવી ગયા હતાં. ત્રણેય વાતચીત કરતા હતા ત્‍યાં ફરી નવઘણ સ્‍કોર્પીયો લઇને આવી ત્રણેયને જોઇ સ્‍કોર્પીયો કાકાની ખાલી ઉભેલી રીક્ષાની પાછળ ભટકાડી દઇ નુકશાન કર્યુ હતું. પોતે કાકા રાણાભાઇ અને મંગાભાઇ ત્રણેય લાગી જશે તેવી બીક લાગતા ત્રણેય ભાગવા જતા મંગાભાઇ પડી જતા તેને બંને પગમાં ઇજા થઇ હતી. બાદ તેને ૧૦૮ માં સારવાર માટે સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. આ બનાવ અંગે પોતે કુવાડવા રોડ પોલીસમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્‍સ. એસ. આર. કુમારખાણીયાએ તપાસ હાથ ધરી છે.

(10:28 AM IST)