<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

કચ્‍છના લોકોએ હંમેશા જુસ્‍સાભેર વાવાઝોડા, ભૂકંપ, દુકાળ જેવી આફતોનો સામનો કર્યો છે : બલવંતસિંહ રાજપૂત

ઉદ્યોગમંત્રીના અધ્‍યક્ષસ્‍થાને કચ્‍છના ગાંધીધામ ખાતે ૭૮મા સ્‍વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી : અનેક વીરોના બલિદાનથી પ્રાપ્‍ત થયેલી આઝાદીનું જતન અને સંરક્ષણ કરવું સૌ નાગરિકોની ફરજ : ૨૦૦૧ના ભૂકંપ બાદ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના દૂરંદેશી વિચારના પરિણામે કચ્‍છનો અદ્‌ભૂત વિકાસ, સરકાર સર્વાંગી વિકાસ માટે કટીબધ્‍ધ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૬ : ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્‍યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે કચ્‍છના ગાંધીધામ શહેરમાં રમતગમત સંકુલ ખાતે તિરંગાને સલામી આપીને ૭૮મા સ્‍વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્‍છાઓ પાઠવી હતી.ᅠ

સ્‍વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક ઉદ્‌બોધન કરતા ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્‍યું હતું કે, કચ્‍છ એ પંડિત શ્‍યામજી કૃષ્‍ણવર્માની જન્‍મભૂમિ, ગાંધીજીની સમાધિ અને સરદાર પટેલ સાહેબની યાદો સાથે જોડાયેલો જિલ્લો છે. ગાંધીધામની ધરતી પરથી ભારતની આઝાદીમાં યોગદાન આપનાર તમામ સ્‍વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને મંત્રીશ્રીએ તેમને શત્‌ શત્‌ નમન કર્યા હતા. મંત્રીશ્રીએ મહાત્‍મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્‍ય તિલક, ડો. બાબાસાહેબ આંબેડકર, વીર સાવરકર, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, સુખદેવ સહિત આઝાદીના નામી-અનામી શહીદોને વંદન કર્યા હતા. મહામૂલ્‍ય આઝાદી આપણને પ્રાપ્ત થઈ છે તેનું જતન અને સંરક્ષણ કરવું સૌ નાગરિકો અને દેશવાસીઓની ફરજ છે તેમ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.ᅠ

ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે કચ્‍છ જિલ્લાની ખમીરીને બિરદાવી જણાવ્‍યું હતું કે, કચ્‍છમાં અત્‍યારસુધી વાવાઝોડા, દુકાળ અને ભયાનક ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ આવી છે. કચ્‍છના લોકોએ હંમેશા જુસ્‍સાભેર આ આફતોનો સામનો કર્યો છે. મંત્રીએ ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલી આપીને તેમના પરિવારજનો પ્રત્‍યે સહાનુભૂતિ વ્‍યક્‍ત કરી હતી.ᅠ

આ પ્રસંગે મંત્રીશ્રીએ પોલીસ વિભાગ દ્વારા આયોજિત પરેડનું નીરિક્ષણ કરીને નાગરિકોને અભિવાદન ઝીલ્‍યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ જિલ્લાની વિવિધ સ્‍કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્‍કૃતિક કાર્યક્રમો નિહાળ્‍યા હતા. પોલીસ વિભાગ દ્વારાᅠ ‘ડોગ શો'ની પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી. ગાંધીધામ તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્‍ટરે એનાયત કર્યો હતો. વિશિષ્ટ સેવા બદલ કર્મયોગીઓ, આરોગ્‍ય કર્મચારીઓ, રમતવીરો, પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો અને અંગદાતાઓનું ઉદ્યોગ મંત્રીશ્રીના હસ્‍તે મોમેન્‍ટો અને પ્રશસ્‍તિપત્ર આપીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ રમતગમત ગ્રાઉન્‍ડ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.ᅠ

આ પ્રસંગે કચ્‍છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્‍યો માલતીબેન મહેશ્વરી, વિરેન્‍દ્રસિંહ જાડેજા,ᅠ ત્રિકમભાઈ છાંગા,ᅠ કેશુભાઈ પટેલ, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ, તાલુકા પંચાયતના પ્રમુખ શાંતાબેન બાબરિયા, અગ્રણી ધવલભાઈ શાહ, જિલ્લા કલેક્‍ટર અમિત અરોરા, પヘમિ કચ્‍છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્‍ટર મિતેશ પંડ્‍યા, મદદનીશ કલેક્‍ટરશ્રી સુનિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક નિકુંજ પરીખ, તાલીમી સનદી અધિકારી ઈ. સુસ્‍મિતા સહિત પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા ઉચ્‍ચ અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:08 AM IST)