<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

હર ઘર તિરંગા સહિતના અભિયાનોએ દેશભકિતની ચેતના જગાવી

સ્‍વાતંત્ર્ય સેનાનીઓનું સન્‍માન - ભવ્‍ય પરેડ - શ્રેષ્‍ઠ કર્મચારીઓનું સન્‍માન - વૃક્ષારોપણ યોજાયા : લોધીકા ખાતે જીલ્લા કક્ષાની ૭૮મા સ્‍વતંત્રતા પર્વની ઉજવણી : કલેકટરના હસ્‍તે ધ્‍વજવંદન

રાજકોટ તા. ૧૬ : ૭૮મા રાષ્‍ટ્રીય પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી કલેકટરશ્રીની અધ્‍યક્ષતામાં લોધિકા ખાતે કરવામાં આવી હતી, જેમાં રાજકોટવાસીઓ દેશભકિતના રંગે રંગાયા હતા.

કાર્યક્રમના અધ્‍યક્ષ કલેકટર શ્રી પ્રભવ જોશીએ સૌ રાજકોટવાસીઓને સ્‍વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્‍યું હતું કે, આપણો દેશ આજે આઝાદીના ૭૮મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્‍યારે સ્‍વતંત્રતા માટે પોતાનું જીવન અર્પણ કરી દેનારા વીરસપૂતોને વંદન કરવાનો આ અવસર છે. આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે, ત્‍યારે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત' બનાવવાનું લક્ષ્ય રાખ્‍યું છે. અને ધરતીને હરિયાળી બનાવવા ‘એક પેડ માઁ કે નામ' અભિયાન શરૂ કરાવ્‍યું છે. ‘મારી માટી મારો દેશ' તથા ‘હર ઘર તિરંગા' જેવા અભિયાનોના માધ્‍યમથી દેશવાસીઓમાં દેશભક્‍તિની ચેતના જગાવી છે અને જન-જનને તેની સાથે જોડ્‍યા છે. જેવી રીતે દેશની આઝાદીના સંઘર્ષમાં જન-જન જોડાયા હતા, તેવી જ રીતે દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા તેમજ ધરતીને હરિયાળી બનાવવાના મહા-અભિયાનમાં દરેક નાગરિકોએ જોડાઈને પોતાનું શ્રેષ્ઠ અર્પણ કરવા કલેકટરશ્રીએ સૌને પ્રોત્‍સાહિત કર્યા હતા.

જિલ્લા કલેક્‍ટરશ્રીએ રાજકોટ જિલ્લામાં પંડીત દીનદયાળ ઉપાધ્‍યાય આવાસ યોજના, કુંવરબાઈનું મામેરૂ યોજના, વિદેશ અભ્‍યાસ લોન યોજના, સ્‍માર્ટ ફોન યોજના, ખેડૂત ખાતેદાર વીમા યોજના મુખ્‍યમંત્રી માતૃશક્‍તિ યોજના સહિતની લોક કલ્‍યાણકારી યોજનાઓમાં થયેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. ક્‍લેક્‍ટરશ્રીએ જણાવ્‍યું હતું કે, દેશને વિકસિત બનાવવા નાગરિકો તંદુરસ્‍ત હોય તે જરૂરી છે. રાજય સરકાર દ્વારા રાજકોટમાં એઇમ્‍સ સહિત વિવિધ આરોગ્‍ય મંદિરો થકી આરોગ્‍ય સેવાઓને સતત સુદ્રઢ બનાવાઈ રહી છે. ઔદ્યોગિક ક્ષેત્રે રાજકોટ જિલ્લો દેશભરમાં નામ રોશન કરી રહ્યો છે.

સ્‍વતંત્રતા પર્વ નિમિત્તે કલેકટરશ્રી પ્રભવ જોશી અને નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડે પોલીસ વિભાગની પરેડનું નિરીક્ષણ કર્યું હતું તથા ઉપસ્‍થિતોનું અભિવાદન ઝીલ્‍યુ હતું. આ રાષ્ટ્રીય પર્વમાં કલેકટરશ્રીના હસ્‍તે વર્ષ ૧૯૪૨ની ‘હિન્‍દ છોડો' આંદોલનના લીધે ૨૦ માસ જેલની સજા ભોગવેલા સ્‍વાતંત્ર્ય સેનાનીશ્રી ધીરજલાલ રાવલના પરિજનો અને સ્‍વતંત્રતા સેનાનીશ્રી છગનભાઈ રાવજીભાઈ કટારીયાના પરિજનોનું સુતરની આંટી પહેરાવી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. કલેકટરશ્રીએ લોધિકા તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક પંચાયતને એનાયત કર્યો હતો.

રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ટી.આર.પી. ગેમઝોન વખતે લોકોના જીવ બચાવનારા શ્રી દક્ષ કુંજડીયા, જિલ્લાના રમતવીરો, શાળાના શિક્ષકો તથા ચૂંટણી, આરોગ્‍ય વિભાગ, પોલીસ વિભાગ સહિતના વિભાગોની અતિપ્રશંસનિય કામગીરી બદલ કુલ ૮૩ વ્‍યક્‍તિઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ તકે સ્‍ટેજ નીચે ઉતરીને કલેકટરશ્રીએ દિવ્‍યાંગ ખેલાડીઓની પાસે જઈને તેમને સન્‍માનિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્‍તિના ગીતો પર નૃત્‍ય કરીને ઉપસ્‍થિત સર્વેમાં દેશભકિતનો જુવાળ જગાવી દીધો હતો.સમૂહ રાષ્ટ્રગાન બાદ આમંત્રિતોના હસ્‍તે કાર્યક્રમ સ્‍થળે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.

આ પાવન પર્વની ઉજવણીમાં અગ્રણીશ્રી અલ્‍પેશ ઢોલરીયા, નરેન્‍દ્રસિંહ, ધીરૂભાઈ સરવૈયા, જી.વી. મિયાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્‍હાણે, એડિશનલ કલેક્‍ટરશ્રી જીજ્ઞાશા ગઢવી, એ.સી.પી. રાધિકા ભારાઈ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, નગરજનો, શાળાના શિક્ષકો અને બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(5:37 PM IST)