<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ખોટા નામે ચેટિંગ કરી જૂનાગઢનાં સોની વેપારી પાસે રૂપિયા ૧૦ લાખની ખંડણીની માગણી

બળાત્‍કારના ખોટા કેસમાં ફીટ કરી દેવાની અને પરિવારને પતાવી દેવાની ધમકી આપી ૨ લાખ પડાવી લીધા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૬: જૂનાગઢમાં હાજીયાની બાગની સામે રહેતા અને ચોકસી બજારમાં કરસનજી મેઘજી નામની સોનાની દુકાન ધરાવતા કપિલભાઈ વિઠ્ઠલભાઈ પાલા ઉ. વ. ૪૦ સાથે હાર્દિક દાણીધારીયા નામના શખ્‍સે પૈસા પડવાના ઇરાદે રુચિતા પટેલનાં નામનું ખોટું આઈડી બનાવી અને ચેટિંગ કર્યું હતું.

આ શખ્‍સે બળાત્‍કારના ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ તેમને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા ૧૦ લાખની ખંડણી માગી હતી. જેમાંથી રૂપિયા ૨ લાખ કઢાવી લીધા હતા.

આ અંગે સોની વેપારીએ ગુરુવારે રાત્રે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પીઆઇ વી. જે. સાવજ ચલાવી રહ્યા છે.

(2:36 PM IST)