<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

અમરેલીમાં રેલી દરમિયાન રિવોલ્વર લહેરાવનારા સીનિયર તબીબ ડૉ. ગજેરા વિરુદ્ધ ફરિયાદ દાખલ

કોલકાતામાં મહિલા તબીબની દુષ્કર્મ બાદ હત્યાના વિરોધમાં તબીબોની કેન્ડલ માર્ચ યોજાઈ :તબીબ જી.જે.ગજેરાએ પરવાના વાળી પિસ્તોલ કાઢી તબીબોને હથિયાર રાખવા આહ્વાન કર્યું હતું

અમરેલી :કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજમાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં અમરેલીમાં નીકળેલી રેલી દરમિયાન લાઈસન્સ વાળી રિવોલ્વર લહેરાવનારા સીનિયર તબીબ ડૉ. ગજેરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

હકીકતમાં ગઈકાલે અમરેલીમાં મહિલા તબીબની દુષ્કર્મ બાદ હત્યાના વિરોધમાં શનિવારે રાતે અમરેલીની શાંતાબા મેડિકલ હોસ્પિટલથી રાજકમલ ચોક સુધી તબીબોની કેન્ડલ માર્ચ યોજાઈ હતી. આ દરમિયાન સીનિયર તબીબ જી.જે.ગજેરાએ પરવાના વાળી પિસ્તોલ કાઢી તબીબોને આહ્વાન કરતા જણાવ્યું હતું કે, હવેથી તબીબોએ હથિયાર રાખવા પડશે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અમરેલી જિલ્લાના પ્રમુખ એવા ડૉ. ગજેરાએ વધુમાં જણાવ્યું હતું કે, લાઈસન્સ લઈને હથિયાર રાખો તો પણ વાંધો નહીં અને જાહેરમાં કહું છું એમનેમ રાખો તો પણ વાંધો નહીં

આ દરમિયાન ડૉ. ગજેરાએ પોતાના હાથમાં પરવાના વાળી રિવોલ્વર જાહેરમાં પ્રદર્શનિત કરી લોકોમાં ભય પેદા થાય તેવી રીતે જાહેર ત્રાસદાયક કૃત્ય કરી, લાયસન્સની શરતોનો ભંગ કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યા અંગેની અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધી તપાસ હાથ ધરવામાં આવી છે.

 

(9:43 PM IST)