News of Sunday, 18th August 2024
મોરબી જિલ્લા ભાજપ અગ્રણી પર ૧૧ શખ્સોનો કુહાડી- પાઈપથી હુમલો
ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા

મોરબી,તા.૧૮,
મોરબીમાં વાડીનો રસ્તો ખુલ્લો કરાવવાનો ખાર રાખીને મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી ઉપર ચાર મહિલા સહિત ૧૧ લોકોએ તેના ઉપર કુહાડી અને ધોકા વડે હુમલો કર્યો હતો.
જેથી ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ-ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
મોરબીમાં બાયપાસ રોડ ઉપર ગોકુળનગર પાસે આવેલ જાગાની વાડીમાં રહેતા મોરબી નગરપાલિકાના માજી સભ્ય અને હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિત શામજી કંઝારિયા (ઉ.૩૦) ઉપર તે વિસ્તારમાં રહેતા દિનેશ શામજીભાઈ ડાભી, હંસરાજ શામજીભાઈ ડાભી, રતિલાલ કેશવજીભાઇ ડાભી, પ્રવીણ કેશવજીભાઇ ડાભી, સંજય છગનભાઇ ડાભી અને સુરેશ છગનભાઇ ડાભી ઉપરાંત ચાર મહિલા સહિત કુલ મળીને ૧૧થી વધુ લોકો દ્વારા કુહાડી અને ધોકા જેવા હથિયાર સાથે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ઇજા પામેલા જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીને ઇજા થતાં સારવારમાં લઈને આવ્યા હતા.
વધુમાં મળી રહેલા માહિતી મુજબ જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીને કુહાડીનો બુંધરાવટીના ઘા તેમજ ધોકાના ઘા મારીને ઇજા કરેલી હતી. જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને હેુમલાની આ ઘટના વિશે મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ હોસ્પિટલે પહોંચી હતી. હાલમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ ડાભી પરિવાર દ્વારા ગોકુલનગરથી જાગાની વાડી તરફ જવા માટેનો જે આઠ વાડીનો રસ્તો હતો તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને આ રસ્તો ખુલ્લો કરાવવા માટે થઈને રોહિત કંઝારીયા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી કરીને થોડા સમય પહેલા મામલતદારની હાજરીમાં રસ્તા ઉપરના દબાણોને દૂર કરીને રસ્તાને ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.
જે બાબતનો ખાર રાખીને રોહિત કંઝારીયા ગઇકાલે સાંજે મોરબી શહેરી વિસ્તારમાં પોતાનું કામ પૂરું કરીને પોતાના ઘર તરફ બજારની વાડી પાસેથી જઈ રહ્યો હતો. ત્યારે ચાર મહિલાઓ સહિતના કુલ ૧૧થી વધુ લોકોએ તેને રોકીને તેના ઉપર હુમલો કર્યો હતો.
જેથી કરીને ઈજા પામેલ રોહિતભાઈએ સારવાર લીધા પછી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૧ સામે ફરિયાદ નોંધાવી છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
