<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

રાજકોટ જિલ્લાની ૬ પાલિકામાં પ્રમુખનું રોટેશન જાહેર

જેતપુરમાં પ્રથમ ટર્મ સામાન્ય મહિલા અને બીજી ટર્મ એસ.સી. અનામત

(કેતન ઓઝા દ્વારા)જેતપુર,તા. ૧૯: છેલ્લા દોઢેક વર્ષથી રાજયની ૧૫૦ જેટલી નગરપાલિકાની ઓબીસી અનામતને કારણે ઘોચમાં પડેલ ચૂંટણીઓની તારીખ હજુ જાહેર નથી થઈ. આ દરમિયાન કેન્દ્રની અને રાજયની બંને ચૂંટણીઓ પણ યોજાય ગઈ અને આ ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણી વાછુંકોએ મને ટીકીટ મળશે તે આશાએ હોંશે હોંશે કામ કર્યું છે. સરકારે ઓબીસી અનામત માટે નિમેલ ઝવેરી પંચે તેમનો રીપોર્ટ સરકારમાં જમા કરાવી દીધો પરંતુ હજુ ચૂંટણીની તારીખ ઓબીસી અનામતને કારણે ઘોચમાં પડી છે. જેથી ચૂંટણીની તારીખ તો જાહેર ન થઈ પરંતુ ચૂંટણી યોજાય ગયા બાદ જે તે નગરપાલિકામાં સામાન્ય કે અનામત કઈ કેટેગરીમાંથી પ્રમુખ આવશે તેનું રોટેશન શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં રાજકોટ જિલ્લાની જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવાદર, જસદણ અને ગોંડલ એમ છ નગરપાલિકાઓનું પ્રમુખનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. આ છ નગરપાલિકાઓમાંથી સૌ પ્રથમ એ ગ્રેડની જેતપુર નગરપાલિકાની વાત કરીએ તો ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૩ના દિવસથી જેતપુર નગરપાલિકામાં વહીવટદારનું શાષન ચાલી રહ્યું છે. અને જેતપુરના નાગરિકોને પણ વહીવટદારનું શાષન અનુકૂળ આવી ગયું છે. જેતપુરમાં પાંચ વર્ષમાં પ્રથમ અઢી વર્ષ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત અને બીજા અઢી વર્ષ એસ.સી અનામત જયારે ધોરાજીમાં પ્રથમ અઢી વર્ષ ઓબીસી વર્ગની મહિલા અને બીજા અઢી વર્ષ એસસી અનામત, ભાયાવદરમાં પ્રથમ અઢી વર્ષ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત અને બીજા અઢી વર્ષ એસસી અનામત, ઉપલેટામાં પ્રથમ અઢી વર્ષ સામાન્ય વર્ગની મહિલા અને બીજા અઢી વર્ષ ઓબીસી વર્ગ, જસદણમાં પ્રથમ અઢી વર્ષ સામાન્ય અને બીજા અઢી વર્ષ સામાન્ય મહિલા માટે અનામત જયારે ગોંડલ નગરપાલિકામાં હજુ ભાજપનું શાષન છે અને નગરપાલિકાની ચૂંટણીને ઘણીવાર છે પરંતુ તેનું પણ રોટેશન જાહેર કરવામાં આવ્યું છે ગોંડલમાં પ્રથમ અઢી વર્ષ ઓબીસી વર્ગની મહિલા માટે અનામત અને બીજા અઢી વર્ષ સામાન્ય બેઠક પરથી ચૂંટાયેલ સદસ્ય પ્રમુખ બની શકશે.

(2:18 PM IST)