News of Monday, 19th August 2024
સાવરકુંડલા લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરમાં ૧૯ લાખ દર્દીઓએ સેવાનો લાભ લીધો

(ઇકબાલ ગોરી-દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૯: શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા(૧૦૦% નિશુલ્ક હોસ્પિટલ) એ ખરેખર માનવસેવાનું અમૂલ્ય સરનામું છે.
આ સંસ્થાની અમૂલ્ય આરોગ્ય સેવા ને ૧૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.આ ૧૦ વર્ષમાં કુલ મળીને ૧૯ લાખ થી પણ વધારે દર્દીનારાયણે આ આરોગ્ય સેવાનો લાભ પ્રાપ્ત કર્યો છે.એમ આ સાર્થક સેવાનો દાયકો એટલે કે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આ સેવાનો સંતોષ સંસ્થાને તો છે જ સાથે સાથે સમાજના દરેક વર્ગને પણ પૂરતું સંતોષ છે.
આ સંસ્થાના પ્રમુખ તથા ટ્રસ્ટીશ્રીઓએ આગામી વર્ષને સેવા સંકલ્પ વર્ષ તરીકે આવકારવાનું નક્કી કર્યું છે આ વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા થતી સસ્મિત અને અમૂલ્ય આરોગ્ય સેવાને સો વર્ષ સુધી લઈ જવાનો સંકલ્પ ટ્રસ્ટીશ્રીઓના કેન્દ્રસ્થાને રહેશે.
આ સેવા સંકલ્પ વર્ષના પ્રારંભે ગત તારીખ ૨૩.૦૭.૨૦૨૪ ના રોજ દશા શ્રીમાળી જૈન વિદ્યાર્થી ગૃહ સાવરકુંડલા ખાતે સાવરકુંડલા શહેરના ગુણીજનો તથા શ્રેષ્ઠિઓ સાથે એક અનોખો હૃદય સંવાદ તથા સ્નોહ મિલન રચવામાં આવ્યો હતો.
સંકલન પ્રખ્યાત કવિ પ્રણવ પંડ્યાના મધુર સ્વરે કરવામાં આવ્યો હતો. શુભારંભથી લઈ અત્યાર સુધીના પરિચયથી કરવામાં આવી ત્યારબાદ સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ગીત સંગીત નું મધુર કાર્યક્રમ રાખવામાં આવેલ ત્યારબાદ અંતમાં આ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિન્ટેન્ટ ડોકટર પ્રકાશ કટારીયા દ્વારા આરોગ્ય મંદિરની બધા જ પ્રકારની સુવિધાઓ દર્શાવતું એક અદભુત પીપીટી પ્રઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં સાવરકુંડલા તથા આસપાસના વિસ્તારના સંતો મહંતો કાના તળાવ આશ્રમના પૂજ્ય મૈયા ઉષા મૈયા, માનવ મંદિરથી પૂજ્ય ભકિતરામ બાપુ,કબીર ટેકરીથી પૂજ્ય નારાયણદાસ બાપુ, હિપાવડલી હનુમાન જી આશ્રમથી પૂજ્ય જસુ બાપુ તથા અન્ય સંતો એ ઉપસ્થિત રહી તેમના પાવન આશીર્વાદ વરસાવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રેષ્ઠીઓમાં કે સાવરકુંડલા તાલુકાના એએસપી વલય વૈદ્ય, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ દીપક માલાણી,સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર બોરડ, પ્રમુખશ્રી મેહુલ ત્રિવેદી સાહેબ, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઇ સાવજ, રાજુભાઈ નાગ્રેચા,નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઈ દોશી તથા નગરપાલિકાના અન્ય પદાધિકારીઓ સાથે સાવરકુંડલા શહેરના સામાજિક અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહી તેમનો રાજીપો વ્યકત કર્યો હતો.
અંતમાં આ સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા કે જેઓ આ કાર્યક્રમ માટે મુંબઈથી ખાસ સમય ફાળવી પધારેલ તેઓએ આ સંસ્થા વિશે અને તેની વિશેષ કામગીરી વિશે ટૂંકમાં સંબોધન કર્યું અને આ સેવા આવતા સો વર્ષ સુધી નિરંતર કોઈ વિઘ્ન વગર કેવી રીતે ચાલશે તેનો રોડ મેપ ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરેલ તથા અંતમાં પધારેલ સંતો મહંતો તથા મહેમાનોની આભાર વિધિ કરેલ હતી.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
