News of Wednesday, 21st August 2024
મોરબી કલેકટરના સરપ્રાઇઝ ચેકિંગમાં પાલિકામાં ૨૦ ગુટલીબાજ ઝપટે
સવારને બદલે જિલ્લા કલેકટર બપોરે ગયા અને કામચોર કર્મચારીઓ ગાયબઃ તમામને શોકોઝ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૧: મોરબી શહેરના લોકોના નગરપાલિકાને લગત પ્રશ્નો સાંભળવા અને તેનો નિકાલ કરાવવા બાબતે જિલ્લા કલેકટર કિરણ ઝવેરી દ્વારા દર મંગળવારે સવારે નગરપાલિકા ખાતે જવાનું નક્કી કરેલ હોય મંગળવારે સવારના અનિવાર્ય કારણોસર ન જઈ શકેલ અને અચાનક બપોરના ૩ વાગ્યે નગરપાલિકાની મુલાકાત લીધી હતી અને પાલિકાના દરેક વિભાગની ચકાસણી કરતા કુલ ૨૦થી વધુ ગુટલીબાજ કર્મચારી ગેરહાજર હોવાનું ધ્યાન પર આવતા જિલ્લા કલેકટર દ્વારા તમામ ગુટલીબાજ કર્મચારીઓને નોટિસ આપી કયા કારણોસર ગેરહાજર રહેલ તેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકામાં મોટાભાગના વિભાગોમાં તગડો પગાર લેતા કાયમી કર્મચારીઓ ઈચ્છાધારી સાપની જેમ આવવું હોય તો જ કચેરીમાં આવે છે બાકી શહેરમાં આંટાફેરા કરી મફતનો પગાર હજમ કરી રહ્યા હોવાનું જગ જાહેર છે ત્યારે મંગળવારે જિલ્લા કલેકટરના સરપ્રાઈઝ ચેકિંગમાં સામાન્ય વહીવટ વિભાગ, જન્મમરણ વિભાગ, અધર ટેક્સ વિભાગ, કેશિયર, હાઉસ ટેક્સ, સેનિટેશન, આવક-જાવક વિભાગ સહિતના ૨૦થી વધુ કર્મચારીઓ પાલિકાએ ગેરહાજર હોવાનું સામે આવતા તમામ ગુટલીબાજો વિરુદ્ધ આકરા પગલાં તોળાઈ રહ્યા છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
