News of Wednesday, 21st August 2024
બેંક ખાતા ભાડે રાખવાનો ગોરખધંધો : ૪૪ કીટ અને ૧૩.૫૫ કરોડનો વ્યવહાર, બે ઝડપાયા
સાવધાન, ભાડેના બેંક ખાતામાં લાખો રૂ.નો વ્યવહાર, સટ્ટાખોરો તેમ જ ચીટર ગેંગ સક્રિય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૧ : દર મહિને અમુક રૂપિયા મેળવવાની લાલચે પોતાના નામે બેંક ખાતુ ખોલાવી ભાડે આપતાં પહેલાં સાવધાન થઈ જજો. આ બેંક ખાતામાં થતી લાખો રૂ.ની હેરફેર બેંક ખાતું જેના નામે હોય એને મુશ્કેલી સર્જી શકે છે. કચ્છ બોર્ડર રેન્જ સાયબર પોલીસે ફરી એકવાર બેંક ખાતા ભાડે લઈ તેમાં લાખો રૂ.ની હેરફેર કરવાના મામલે બે જણની ધરપકડ કરી છે. ગાંધીધામના જોડિયા શહેર આદિપુરમાં રહેતા નરેશ રમેશ સંગતાની અને ભરત મુકેશ નેનવાયાની ધરપકડ કરી તેમની પાસેથી કારમાં રહેલ ૪૪ બેંક કીટ ઝડપી પાડી છે. આ આરોપીઓ અહીં અલગ અલગ વ્યક્તિઓના નામે બેંક ખાતું ખોલાવી મુંબઈ બાબુ બાલા નામના શખ્સને અહીંના બેંક ખાતાની કીટ મોકલાવી આપતાં હતાં. આ મુંબઈના શખ્સનો પરિચય ગાંધીધામના રાજુ પાઉંભાજી એ કરાવ્યો હતો. રાજ ધનવાણી નામનો આ શખ્સ અત્યારે નાસી છૂટયો છે. પોલીસે એયુ બેંક ગાંધીધામ શાખાના મેનેજર ની પણ આ ખાતાઓ ખોલવા બાબતે પૂછપરછ કરી છે. બેંક ખાતાઓ ખોલવા માટે અલગ અલગ શખ્સોને રૂ. ૮ થી ૧૦ હજાર આપી અને ઝડપાયેલ બન્ને શખ્સો ૩૦ હજારમાં આ બેંક ખાતા મુંબઈના બાબુ બાલા ને આપી દેતા હતા. બેંક ખાતા દરમ્યાન ફોન નંબર મુંબઈના અપાતા હતા અથવા ગૂગલ મેસેન્જર દ્વારા કયુઆર કોડ સ્કેન કરી બેંક ખાતામાં નાણાકીય વ્યવહાર કરાતો હતો. આ અલગ અલગ બેંક ખાતાઓમાં ૧૩.૫૫ કરોડ રૂપિયાની હેરફેર થઈ હતી. જે ક્રિકેટના સટ્ટા માટે બુકીઓ દ્વારા કરાઈ હતી. પોલીસે ગાંધીધામના રાજ પાઉંભાજી તેમ જ મુંબઈના બાબુ બાલા ની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. (૨૫.૪)
કચ્છના અંજારમાં પથ્થર ઝીંકી શ્રમજીવીની હત્યા
(ભુજ) કચ્છના અંજારના વરસામેડી ગામે ૫૦ વર્ષીય બિહારી શ્રમિકની હત્યાએ ચકચાર સર્જી છે. અહી અરિહંત નગર સોસાયટીમાં ઓરડી માં રહેતા ૫૦ વર્ષીય શંભુરામ આશિષરામ તેના રૂમ પાર્ટનર ટુનટુન સાથે રાત્રે સૂતો હતો. ત્યારે અજાણ્યા બુરખાધારી શખ્સે ઓરડીમાં ઘૂસી તેની સાથે મારપીટ કરી કપાળમાં પથ્થર નાં ઘા ઝીંકયા હતા. આ સમયે ઓરડીમાં ઊઠી ગયેલા ટુનટુને મળતકના ભાઈને જાણ કરી અને બધા મળતકને ભુજ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. પણ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (૨૫.૪)
...અને ગુમ થયેલા મૂળ દિલ્હીના યુવાનની લાશનું રહસ્ય ભુજ પોલીસે ઉકેલ્યું, મિત્રો તરફ તપાસ
(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૧ : ભુજના સરપટ નાકા બહાર રોયલ રેસ્ટોરેન્ટ માં કામ કરતા મૂળ દિલ્હીના ૨૫ વર્ષીય યુવાન રાહુલ લખન મોચી ગુમ થયો હોઈ એ અંગે પોલીસને જાણ કરાઈ હતી. તે દરમ્યાન ભુજ પોલીસે સયુંકત તપાસ હાથ ધરી ગુમ થયેલ યુવાન પાછળ નો ભેદ ઉકેલવા પ્રયાસ શરૂ કર્યો હતો. ૨ જી ઓગસ્ટ થી ગુમ થયેલ રાહુલના મિત્રો તરફ તપાસ લંબાવાઈ અને અવાવરૂ કૂવામાંથી પોલીસને તેની લાશ મળી. મોડી રાત દરમ્યાન પોલીસે વધુ તપાસ હાથ ધરતા મોબાઇલ મુદ્દે માથાકૂટ થતાં રાહુલના સ્થાનિક ભુજના મિત્રોએ તેની હત્યા કરી હોવાનું સપાટી ઉપર આવ્યું છે. હવે પોલીસે તેના મિત્રો તરફ તપાસ લંબાવી હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
