<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

વિસાવદરમાં જંગલના રાજાએ ગધેડાનું મારણ કર્યુ લોકોના ટોળેટોળા

ગીરના વનરાજોની જંગલ છોડી શહેરો તરફ દોટ : લોકો ભયભીત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૨૧: વિસાવદરમાં જંગલના રાજાએ ગધેડાનુ મારણ કરતા લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. ગીરના વનરાજોની જંગલ છોડી શહેરો તરફની દોટથી લોકોમાં ભય વ્યાપી ગયો છે.

જાણવા મળતી માહિતી મુજબ વિસાવદર શહેરમાં ગઈકાલે સાંજે લગભગ નવેક વાગ્યાની આસપાસ જંગલના રાજા સિંહ આવી ચડ્યા હતા અને ધારી બાયપાસ નજીક આવેલ અંબિકા નગર સોસાયટીમાં ગધેડાનુ મારણ કરી બિન્ધાસ્ત મારણની મીજબાની માણી હતી. આ દ્રશ્ય કોઈના ધ્યાનમાં આવતા જ સૌપ્રથમ ફફડાટ અને પછી આ દ્રશ્ય નિહાળવા લોકો એકત્રિત થયા હતા. લોકોએ દૂરથી એકદમ શાંતિથી આ દ્રશ્યો નિહાળ્યા હતા. દરમિયાન જંગલ ખાતાના અધિકારી-સ્ટાફને જાણ થતા જ તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્યાંથી સિંહ તથા મારણને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા હતા.

વિસાવદર શહેરમાં સિંહના આંટાફેરાના સમાચારોથી લોકો ચિંતાતુર બન્યા છે.

(1:45 PM IST)