<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

ગારીયાધારમાં અઢી ઇંચ : ગુજરાતમાં ૯૭ તાલુકામાં વરસાદ પડ્યો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ યથાવત : ઝાપટા રૂપે વરસતો વરસાદ

રાજકોટ, તા. ર૧ : ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ તાલુકામાં ૧ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ડાંગ-આહ્વામાં ૩.૬૬ ઈંચ, ચીખલીમાં ૩ ઈંચથી વધુ, કવાંટમાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં લાંબા સમય બાદ મંગળવારના રોજ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૭ તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે જ કુલ ૩ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૧૧ તાલુકામાં ૨ ઈંચથી વધુ અને ૨૫ તાલુકામાં ૧ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ-આહ્વામાં ૩.૬૬ ઈંચ, ચીખલીમાં ૩ ઈંચથી વધુ, કવાંટમાં ૩ ઈંચ, પલસાણામાં ૨.૬૩ ઈંચ, નાંદોદમાં ૨.૪ ઈંચ, ગારિયાધારમાં ૨.૪ ઈંચ, છોટા ઉદેપુરમાં ૨.૨૮ ઈંચ, જેતપુર પાવીમાં ૨.૨૮ ઈંચ, ભરૂચમાં ૨.૦૮ ઈંચ, ડોલવણમાં ૨ ઈંચ અને ગળતેશ્વરમાં ૨ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય ૮૭ તાલુકામાં પણ સામાન્યથી ૨ ઈંચ વરસાદ નોંધાયો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર જિલ્લાના ગારીયાધાર માં મા ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભાવનગર શહેર અને અન્ય તાલુકામાં હરવા ભારે ઝાપટા વરસી ગયા હતા.

ગોહિલવાડ પંથકમાં વરસાદનું નવો રાઉન્ડ શરૂ થયો છે. ગઈકાલે  જિલ્લાના ગારીયાધાર માં અઢી ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે.

આજે સવારના છ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર શહેરમાં ૬ મી.મી. ઘોઘામાં ૭ મી.મી. ગારીયાધાર માં  ૬૧ મી .મી.પાલીતાણા ૪ મી.મી. અને જેસરમાં ૫ મી.મી. વરસાદ નોંધાયો છે.

 ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ૨૭.૫ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૩.૮ ડીગ્રી નોંધાયું હતું .જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા રહ્યું હતું .પવનની ઝડપ ૧૬ કીમી પ્રતિ કલાકની રહી હતી.

ભાવનગર જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદી માહોલ બંધાતા લોકોમાં અને ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાય છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભાવનગરમાં હજુ સુધી સારો વરસાદ પડ્યો નથી જિલ્લાના એકમાત્ર મહુવા તાલુકામાં જ વરસાદ પડ્યો છે. વરસાદ ના નવા રાઉન્ડમાં મેઘરાજા સમગ્ર ગોહિલવાડ પંથકમાં મન મૂકી વરસી પડે તેવી ભાવનગરવાસીઓની પ્રાર્થના છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરના સમાણા, શેઠવડાળા, પરડવામાં ઝાપટા પડયા છે.

બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ-તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬.પ, મહતમ તાપમાન ૩૩.૬, ભેજનું પ્રમાણ ૮૬ ટકા, પવનની ગતિ ૬.૮ કિ.મી. રહી  હતી.

(2:22 PM IST)