News of Wednesday, 21st August 2024
મોરઝરમાં ભાઈ દ્વારા કરવામાં આવેલી પોલીસ ફરિયાદનો ખાર રાખીને યુવાન પર ચાર શખ્સો દ્વારા જીવલેણ હૂમલો

જામ ખંભાળિયા, તા. ,૨૧: જામનગરના ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ ભાણવડ તાલુકાના મોરઝર ગામના રહીશ વિમલભાઈ ઉર્ફે ગુગો જેઠાભાઈ પરમાર નામના ૨૨ વર્ષના કોળી યુવાનના ભાઈ નીરજે આજથી આશરે પાંચેક મહિના પૂર્વે મોરઝર ગામના રહીશ ભરત બાવનજી બાટા નામના શખ્સ તથા અન્ય બીજા શખ્સો સામે પણ કોઈ બાબતેં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે આરોપી ભરતએ મનદુઃખ રાખી, અને ફરિયાદી વિમલભાઈ પરમાર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે તેમના વતન મોરઝર ખાતે આવ્યા હતા. જ્યાં તેઓ તેમના કુટુંબી કાકા નરોત્તમભાઈના ઘર પાસે ઉભા હતા. તે સમયે મોટરસાયકલ પર આવેલા ભરત બાટા તેમજ ચંદ્રેશ નરોત્તમ પરમારએ તેમની પાસે આવીને કહેલ કે તમે બંને ભાઈઓને ફરિયાદ કરવાનો બહુ શોખ છે ને, હવે કરી લેજો ફરિયાદ- તેમ કહીને આરોપી ભરત બાટાએ તેના મોટરસાયકલ પર રહેલા લોખંડના પાઇપ વડે વિમલભાઈ ઉપર હુમલો કરી અને બંને આરોપીઓએ લોખંડનો પાઈપ અને લાકડી વડે તેમને વ્યાપક ઈજાઓ પહોંચાડી હતી.
આટલું જ નહીં, અન્ય બે આરોપીઓ બાલા નરોત્તમ પરમાર અને નરોત્તમ બચુ પરમારએ પણ તેમને ગાળો કાઢી અને બેફામ માર મારી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તમામ ચાર શખ્સો સામે તપાસ એ.એસ.આઈ. સી.બી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
દ્વારકામાં પરિણીતા
પાસે દહેજ માંગી ત્રાસ
દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતી અને રજનીકાંતભાઈ વાયડાની ૨૯ વર્ષની પરિણીત પુત્રી ધર્માબેન લાલાભાઈ ઠાકરને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ લાલાભાઈ ગોરધનભાઈ ઠાકર (ઉ . વ. ૩૦, રહે. મૂળ બિરલા પ્લોટ, હાલ પીંડારા, તા. કલ્યાણપુર) તથા તેણીના સાસુ વેલુબેન ગોરધનભાઈ ઠાકર દ્વારા ઘરકામ બાબતે મેણાં-ટોણાં મારી, શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપ્યાની તેમજ દહેજની માંગણી કર્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ભાટીયાના હોટેલ
સંચાલક સામે કાર્યવાહી
ભાટિયા ગામે રહેતા કેતનભાઈ સવજીભાઈ સોનગરાએ તેમના સ્ટેશન રોડ ઉપર આવેલા શિવમ ગેસ્ટ હાઉસમાં આવતા- જતા ગ્રાહકોની પથિક સોફ્ટવેરમાં ઓનલાઇન એન્ટ્રી ન કરતા આ અંગે સ્થાનિક પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધાયો છે
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
