News of Wednesday, 21st August 2024
જામનગરમાં ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ માટે "સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ” યોજાશે
ગુજરાત રાજ્યમાંથી આવેલી તમામ અરજીઓ પૈકી ૧૦૦ યુવાઓની પસંદગી કરવામાં આવશે

જામનગર :ગુજરાત રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓ રાજ્યના જુદા જુદા વિસ્તારો, દરીયાઇ સંપત્તિ, ઉદ્યોગો તથા સાગરકાંઠે વસવાટ કરતી પ્રજાનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની કલા અને સંસ્કૃતિ વગેરેનો પ્રત્યક્ષ પરિચય કેળવે તથા સાગરલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રેરાય તેવા ઉમદા હેતુથી પ્રતિ વર્ષ ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓ માટે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં યોજવામાં આવે છે. ચાલુ વર્ષે ૧૦ દિવસ માટે આવો સાહસિક સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ઓક્ટોબર-૨૦૨૪ દરમ્યાન જામનગર ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી ઉમેદવાર પસંદ કરી કુલ ૧૦૦ યુવક યુવતિઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.
આ પ્રવાસમાં જોડાવા ઇચ્છતા યુવક યુવતિઓ કે જેઓ તા.૩૧/૧૨/૨૦૨૪ ની સ્થિતિએ ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેમણે પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી નિયત નમૂનાનું ફોર્મ મેળવી પોતાનું નામ-સરનામુ મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણીક લાયકાત, વ્યવસાય, એન.સી.સી/પર્વતારોહણ/રમતગમત સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, વાલીની સંમતિ, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓળખ કાર્ડ, અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત વગેરે માહિતી દર્શાવતી અરજી તા.૩૧/૦૮/૨૦૨૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જીલ્લા સેવા સદન-૪, રૂમ નં.૪૨, રાજપાર્ક પાસે,જામનગર ખાતે મોકલવાની રહેશે.
પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ-૧૦૦ યુવક યુવતિઓની આ કાર્યક્રમમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે.. પસંદગી પામેલ યુવક-યુવતિઓને તેઓની પસંદગી અંગે ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતિઓને નિવાસ, ભોજન, તથા કાર્યક્રમ સ્થળે આવવા જવાનું ભાડું તથા કાર્યક્રમમાં ભાગ લેવા બદલ સરકાર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમ જામનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ. આઈ. પઠાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
