<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

વાંકાનેરમાં જન્‍માષ્‍ટમીએ ભવ્‍ય શોભાયાત્રાનું આયોજનઃ તડામાર તૈયારી

શ્રી ફળેશ્વર મહાદેવ મંદીરના સાનિધ્‍યમાં સંતો-મહંતો, વિ.હિ.પ.ના અગ્રણીઓ જન્‍માષ્‍ટમી સેવા સમીતીના આગેવાનો, કાર્યકર્તા ભાઇઓ-બહેનો સહીતની ઉપસ્‍થિતિમાં બેઠક યોજાઇઃ કેરાળા-રાણીમા-રૂડીમાની જગ્‍યાના મહંતશ્રી મુકેશ ભગતની આગેવાનીમાં ભવ્‍ય શોભાયાત્રા નિકળશે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૨૨ : વાંકાનેર ખાતે આવેલ વર્ષો પુરાણુ શ્રી ફળેશ્વર મહાદેવ મંદીરના વિશાળ પટાંગણમાં આગામી જન્‍માષ્‍ટમી ઉત્‍સવની  ઉજવણીના ભાગરૂપે સંતો-મહંતો, વિશ્વ હિન્‍દુ પરીષદના અગ્રણીઓ, જન્‍માષ્‍ટમી સેવા સમીતીના હોદેદારો, કાર્યકર ભાઇઓ-બહેનોની વિશેષ ઉપસ્‍થિતિમાં જન્‍માષ્‍ટમીની ઉજવણી, શોભાયાત્રા સહીતના કાર્યક્રમો ઘડી કઢાયા હતા. આજની આ ધર્મસભામાં મોટી સંખ્‍યામાં કૃષ્‍ણભકતો, માલધારી ભાઇઓ ઉપસ્‍થિત રહયા હતા.

આગામી  તા.ર૮ના રોજ અત્રે જડેશ્વર રોડ પર આવેલ વર્ષો પુરાણુ શ્રી ફળેશ્વર મહાદેવ મંદીર ખાતેથી રાજવી પરિવારના મહારાજ અને રાજયસભાના સાંસદ શ્રી કેશરીદેવસિંહજી દિગ્‍વિજયસિંહજી ઝાલા પરીવાર દ્વારા શાષાોકત વિધિ બાદ સવારે નવ કલાકે પ્રસ્‍થાન થશે.

જે શહેરના રાજમાર્ગો જડેશ્વર રોડ, દિવાનપરા, આરોગ્‍યનગર, માર્કેટ ચોક, પ્રતાપ ચોક, રામ ચોક, દરબાર ગઢ રોડ, ચાવડી ચોક, મેઇન બજાર, ગ્રિન ચોક, સીટી સ્‍ટેશન રોડ થઇ જીનપરા ચોક ખાતે સમાપન થશે. જયાં જીનપરા ખાતે ધર્મસભા યોજાશે. જેને ઉપસ્‍થિત સંતો-મહંતો-વિહિપના અગ્રણીઓ આ ધર્મસભાને સંબોધન કરશે.

આજની આ બેઠકમાં શ્રી રઘુનાથજી મંદીરના ગાદીપતિ પુજય ભરતદાસજી મહારાજ, શ્રી ગાયત્રી શકિતપીઠના મહંત શ્રી પુજય અશ્વિનબાપુ રાવલ, રેવાદાસભાઇ હરીયાણી, સીંધાવદર લાલજી મહારાજની જગ્‍યાના મહંત તથા નાગાબાગાજીની જગ્‍યાના મહંત ખુશાલગીરી ગોસ્‍વામી, શ્રી રાકેશભાઇ જોષી, કેરાળા રાણીમા રૂડીમાં ધામના મહંતશ્રી મુકેશ ભગત તથા વિહીપના પુષ્‍કરભાઇ ત્રિવેદી,  દિનેશભાઇ રાવલ, અમરશીભાઇ મઢવી તથા ક્ષત્રીય સમાજના પ્રમુખશ્રી વજુભા સજુભા ઝાલા, ફળેશ્વર મંદીરના મહંતશ્રી વિશાલબાપુ પટેલ સહીતના મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં બેઠક યોજાઇ હતી.

ઉપરોકત સૌ સંતો-મહંતો સહીતના અગ્રણીઓ આ જન્‍માષ્‍ટમી શોભાયાત્રામાં સમસ્‍ત હિન્‍દુ સમાજ ઉમટી પડે તેવી હાકલ કરી હતી. આજની આ ધર્મસભાને સફળ બનાવવા રતીલાલ અણીયારીઆ, ક્રિપાલસિંહ ઝાલા, જનકસિંહ પી.ઝાલા, રાજભા ઝાલા સહીતનાએ જહેમત ઉઠાવેલ હતી. આજની આ બેઠક પુર્ણ થયે સ્‍વરૂચી ભોજનની વ્‍યવસ્‍થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેન્‍દ્રસિંહ ઝાલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલ હતું.

(12:05 PM IST)