<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

જસદણમાં દિવ્‍યાંગ સાધન સહાય એસેસમેન્‍ટ કેમ્‍પનો પ્રારંભ

દિવ્‍યાંગોનું આરોગ્‍ય પરીક્ષણ કરી કલ્‍યાણકારી સેવાઓનો લાભ આપવા અરજીઓ લેવાઈઃ ૩૦ ગામોને લાભ

રાજકોટ તા. ૨૨ :.  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જસદણમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે નાયબ કલેકટરશ્રી ગ્રીષ્‍મા રાઠવાના અધ્‍યક્ષસ્‍થાને દિવ્‍યાંગ સાધન સહાય એસેસમેન્‍ટ કેમ્‍પનો પ્રારંભ કરાયો હતો. જેમાં તમામ પ્રકારની દિવ્‍યાંગતા ધરાવતા લાભાર્થીઓનું કેમ્‍પના સ્‍થળ ઉપર જ વિનામૂલ્‍યે એસેસમેન્‍ટ કરાયું હતું. 

કાર્યક્રમમાં સાધન સહાય માટે દિવ્‍યાંગોની પસંદગી, તેમનું પરીક્ષણ ઉપરાંત સંત સુરદાસ યોજના, મનોદિવ્‍યાંગોને પેન્‍શન, યુ.ડી.આઇ.ડી. કાર્ડ, દિવ્‍યાંગ પ્રમાણપત્ર સહિતની સેવાઓનો લાભ આપવા અરજી લેવામાં આવી હતી.

જસદણ શહેર, કનેસરા, કમળાપુર, આટકોટ, જીવાપર સહિત આજુબાજુના ૩૦ ગામોના અંદાજે ૬૦૦ જેટલા લાભાર્થીઓને આ કેમ્‍પનો લાભ લેવા ફોનકોલ કરીને જાણ કરાઈ હતી. કેમ્‍પમાં સાધન સહાય આપવા માટે પસંદ કરાયેલા લાભાર્થીઓને આગામી દિવસોમાં તેમની જરૂરિયાત અનુસાર ટ્રાયસિકલ, વ્‍હીલચેર, હિયરીંગ એઈડ મશીન, બેટરી બાઈક, કાંખઘોડી, સી.પી. ચેર, સ્‍માર્ટફોન, ફોલ્‍ડીંગ સ્‍ટીક વગેરે સહાયક ઉપકરણ અપાશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારત સરકારની એડીપ યોજના અન્‍વયે સી.એસ.આર. (કોર્પોરેટ સોશિયલ રિસ્‍પોન્‍સીબિલીટી) હેઠળ ઈન્‍ડીયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત એલીમ્‍કો કંપની તથા રતલામના એસ.આર. ટ્રસ્‍ટના સહયોગથી આ કેમ્‍પનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમનું સંચાલન એમ.પી.ડબલ્‍યુ. પિયુષભાઈ શુક્‍લએ કર્યું હતું. આ તકે મામલતદાર એમ. ડી. દવે, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ. એમ. રાઠોડ, પ્રોટેક્‍શન ઓફિસર પંકજભાઈ દૂધરેજીયા, જસદણ તાલુકા આરોગ્‍ય અધિકારી  સી.કે.રામ, વીંછિયા તાલુકા આરોગ્‍ય અધિકારીશ્રી રાજાભાઈ ખાંભલા, એમ.પી.એચ.શ્રી જીતુભાઈ પટેલ, અગ્રણીશ્રી ભાવેશભાઈ વેકરીયા, અશોકભાઈ ચાઉં સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં. (પ-રપ)

(4:11 PM IST)