News of Friday, 23rd August 2024
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 128મી જન્મજયંતીએ તા. 28 ઑગસ્ટના રોજ એમના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ સ્મૃતિ-સ્થળો ખાતે ભાવાંજલિ અર્પણ થશે
એમના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ સ્મૃતિ-સ્થળો ખાતે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. 9825021279)ની પ્રેરણાથી જન્મભૂમિ ચોટીલા, બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ, શૌર્યભૂમિ ધંધુકા, કર્મભૂમિ રાણપુર, કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે ભાવાંજલિ અપૅણ થશે

રાજકોટ તા.૨૩ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 128મી જન્મજયંતીએ તા. 28 ઑગસ્ટના રોજ એમના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ સ્મૃતિ-સ્થળો ખાતે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. 9825021279)ની પ્રેરણાથી ભાવાંજલિ અર્પણ થશે. જન્મભૂમિ ચોટીલા, બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ, શૌર્યભૂમિ ધંધુકા, કર્મભૂમિ રાણપુર, કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે ભાવાંજલિ
અપૅણ થશે.
ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગની ગ્રંથાલય નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા સરકારી પુસ્તકાલયમાં સમગ્ર મેઘાણી-સાહિત્ય પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા અને મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની, સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઑગસ્ટ 1896 (શ્રાવણ વદ પાંચમ : નાગ પંચમી, વિક્ર્મ સંવત 1952)ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના ક્વાર્ટરમાં થયેલો. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી નીડર અને નેક પુરુષ હતા. પુત્રમાં ઉચ્ચ સંસ્કાર સિંચનાર હતા ધર્મપરાયણ માતા ધોળીમા. પોલીસ-પરિવાર અને પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક સંસ્મરણો તથા સ્મૃતિઓ જોડાયેલ છે. તેઓ લાગણીભેર નોંધે છે : આ પોલીસ-બેડાની દુનિયા અનોખી છે. તમે એમાં ભ્રમણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ.
ગત વર્ષે 28 એપ્રિલ 2023ના રોજ ચોટીલા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ગુજરાત રાજ્યના સંસ્કૃતિ-પ્રેમી મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ-હસ્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જન્મભૂમિ ચોટીલા ખાતે ઐતિહાસિક જન્મસ્થળ અને આજુબાજુમાં આવેલ સરકારી ઈમારતોને સાંકળીને રૂ. 29.51 કરોડના ખર્ચે ભવ્ય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રૂ. 3.39 કરોડના ખર્ચે વિશાળ, સમૃધ્ધ, અદ્યતન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા થનાર છે.
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર પ્રાથમિક શાળા નંબર 8 તેમજ શૌર્યભૂમિ ધંધુકા સ્થિત ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસનો સ્મૃતિ-સ્થળ તરીકે સુયોગ્ય રીતે વિકાસ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આજે પણ લોકહૈયે જીવંત છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં. સદાય અજરામર રહેશે.
(આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો. 9825021279)
(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
