<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા મળ્યું શોભાયાત્રા સંકલન સંમેલન : હાસ્ય કલાકાર ધારશી બેરડિયાએ લોકોને ડોલાવ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે સમગ્ર દેશમાં હર્ષલ્લાસપૂર્વક વિવિધ આયોજનો થઈ રહ્યા છે ત્યારે જામનગરમાં પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાનું ૧૮માં વર્ષે આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલન યોજાયું હતું.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ને વધાવવા માટે જામનગરમાં સાર્વજનિક શોભાયાત્રા અંતર્ગત શહેર ભરમાં ૧૭ જેટલા જાહેર સ્થળોએ જન્માષ્ટમી શોભાયાત્રામાં આહવાન કરતા ૧૫૦થી વધુ બેનરો ઉપરાંત ઓટો રીક્ષા અને જાહેર સ્થળોએ જન્માષ્ટમી શોભાયાત્રામાં આહવાન કરતા મોટા બેનર અને ર્હોડિંગ્સો પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા ૧૦ હજારથી વધુ બાઈક અને વિવિધ વાહનો માટે ભગવાન કૃષ્ણના રાઉન્ડ સ્ટીકર લગાવી કાનામયી વાતાવરણ બનાવવામાં આવ્યું છે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પૂર્વે આ વર્ષે શોભાયાત્રા તેમજ મટકી ફોડ અને સ્વાગત કાર્યક્રમને સુચારૃંરૂપે દિવ્ય અને ભવ્યતા પૂર્વક યોજવા જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં નીકળનાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી ૨૬, ઓગસ્ટના સોમવારે સવારે ૯ કલાકે પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રામાં ૨૫ જેટલા વિવિધ સંગઠનોના ધાર્મિક ફલોટ્સો જોડાવાના છે. આ ઉપરાંત ૧૧ થી વધુ સ્થળોએ શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ અને સ્વાગત માટે પણ અદકેરૃં આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંગે જામનગરમાં ગોકુળિયા જેવો માહોલ બનાવવા માટે શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર, જામનગર ખાતે ૨૨, સપ્ટેમ્બરના રવિવારે સાંજે ૭ વાગ્યે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માંચાર્ય ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજની આજ્ઞાથી જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ઇન્ટરનેશનલ હાસ્ય કલાકાર ધારશી બેરડીયા એ જન્માષ્ટમીના સાર્વજનિક શોભાયાત્રાના આયોજનમાં લાગેલા દરેક સંસ્થાના પ્રતિનિધિઓને બિરદાવ્યા હતા અને સનાતન ધર્મના ભગવાનના અવતરણના અવસરોને લઈને થઈ રહેલી ઉજવણીમાં પોતે પણ સહભાગી થશે તેવી વાત કરી ઉપસ્થિત સૌ કોઈ અગ્રણીઓને હાસ્યની સાથે સાંસ્કૃતિક અને ધાર્મિક વાતોથી તરબોળ કરી સૌ કોઈને કૃષ્ણમયી બનવા આહવાન કર્યું હતું. આ સંમેલનમાં શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિરના શ્રી ૧૦૮ લક્ષ્મણદેવજી મહારાજે શોભાયાત્રા માટે કામે લાગેલા તમામ લોકોને બિરદાવ્યા હતા. યુ.કે. ધર્મ પ્રવાસે ગયેલા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો તેની પણ યાદી કરાવી હતી.

છોટીકાશી ગણાતા જામનગરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ૧૮માં વર્ષે નીકળનાર સાર્વજનિક શોભાયાત્રામાં જોડાનાર તમામ ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા, રાજકીય અગ્રણીઓ અને ધર્મપ્રેમીઓનું ખાસ સંમેલન મળ્યું હતું. જેમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભીમશીભાઇ પિઠીયા, ભરતભાઈ ડાંગરિયા, કિશનભાઇ વસરા સહિતના સાથે શોભાયાત્રા વધુ ભવ્ય બને તે માટે તૈયારીઓને આખરીઓપ આપવામાં આવ્યો છે.

(1:43 PM IST)