<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

ગાદોઇ ટોલનાકા માથાકૂટ મામલે સસ્પેન્ડેડ પીઆઇ ભોજાણી, જમાદાર ચાવડા ભાગેડુ જાહેર

તપાસનીશ ડીવાયએસપી ઠક્કરના રિપોર્ટના પગલે વંથલી કોર્ટે જારી કર્યું વોરંટ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૩: વંથલી નજીકના ગાદોઇ ટોલનાકે માથાકૂટનો મામલે કોડીનારના સસ્પેન્ડેડ પીઆઇ એ.આર. ભોજાણી અને જમાદાર પી. પી. ચાવડાને વંથલી કોર્ટે ભાગેડુ જાહેર કરતા તપાસ તેજ કરવામાં આવી છે.

૩૦ જૂન સાંજના સમયે વંથલી નજીકના ગાદોઈ ટોલનાકા પર ખાનગી વાહનમાં આવેલા કોડીનારના પીઆઇ એ. આર. ભોજાણીએ ટોલનાકાના ટીકીટ ચેકર ભાવેશ ટાટમીયાને પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. જેને લઈને કર્મચારીએ તેઓ પાસે ઓળખપત્ર માંગ્યું હતું. જેની ખરાઈ કર્યા બાદ ઓળખ પત્ર પરત આપતી વખતે બંને વચ્ચે તકરાર થતાં વંથલી પોલીસને જાણ કરાઇ હતી. જેથી પોલીસ ટોલનાકા પર પહોંચી હતી અને બંને પક્ષકારોને પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતાં.જ્યાં બંને પક્ષે સમાધાન થઈ ગયું હતું.

આ પછી પણ કાળા કલરની સ્કોર્પિયો રજી.નં. જીજે ૩૨ એએ ૫૯૫૫માં સવાર પીઆઈ ભોજાણી સહિત અન્ય બે વ્યકિત ઉતરી હાથમાં પિસ્તોલ રાખી ફરિયાદી રાજેશ છૈયા તેમજ ભાવેશભાઈ પોતાના વાહનમાંથી નીચે ઉતરી ભાગવા જતા હતા ત્યારે પાછળ આવતી બ્રેજા કારના ચાલકે ઠોકર મારીને રાજેશ છૈયાને પછાડી દીધા હતા. અને ૧૭ થી ૧૮ માણસોએ લોખંડના પાઇપ અને લાકડીઓ સાથે ઉતરી બંને ટોલ કર્મચારીઓને માર મારી ગંભીર ઈજા પહોંચાડી ભાગી છુટ્યા હતાં.  પીઆઈ ભોજાણી સહિતના ૨૦ થી ૨૨ શખ્સો સામે હત્યાની કોશિશ તેમજ મોબાઈલ ફોનની લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

 તપાસનીશ ડીવાયએસપી બી. સી. ઠક્કરે સસ્પેન્ડેડ પી.આઈ ભોજાણીની ધરપકડ માટે ઉના કોડીનાર તેમજ તેમના વતન જામખંભાળિયા વગેરે ખાતે તપાસ કરી હતી. બનાવ સમયે કોડીનારના પોલીસ જમાદાર પી. પી. ચાવડાની હાજરી જણાઈ હતી. પરંતુ જમાદાર પણ મળી આવ્યા ન હોવાથી ડીવાયએસપી ઠક્કરે ભોજાણી અને ચાવડાને ભાગેડુ જાહેર કરવા વંથલી કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. જેના પગલે વંથલી કોર્ટે ભોજાણી અને ચાવડાને ભાગેડુ જાહેર કરી વોરંટ જારી કર્યું હતું. બંને આરોપીને ઝડપી લેવા તપાસ વધુ સઘન કરી રાજ્યભરના પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે

(2:01 PM IST)