<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

ગિરનાર જંગલમાં મળેલા કોહવાયેલા મૃતદેહ જામનગર મોકલાયા

બંને મૃતકો દાહોદ વિસ્તારના ૧૩ ઓગસ્ટે ઘરેથી નીકળ્યાનું અનુમાન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૩:  બીલખા ગેટ પાસેના જંગલમાં સગીર અને સગીરાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે બંનેની કોહવાયેલી લાશ પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

ડુંગરપુર ગામ નજીક આવેલ ડેડકડી જંગલ વિસ્તારમાં  ઝાડ સાથે યુવાનનો મૃતદેહ લટકતો હોવાની અને સગીરાની લાશ ઝાડ નીચે પડી હોવાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં બંનેએ દુપટ્ટા વડે ઝાડ સાથે લટકીને આપઘાત કર્યો હોવાનું જણાયું હતું. પરંતુ બંનેના મૃતદેહ કોહવાઈ ગયા હોવાથી માથું ઝાડ પર અને ધડ નીચે પડી ગયું હતું.

બંનેએ એક અઠવાડિયા અગાઉ મોતને મીઠું કરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. બંનેના મૃતદેહ અત્યંત કોહવાઈ ગયા હોય જેથી પોસ્ટમોર્ટમ માટે જામનગર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

ડીવાયએસપી હિતેશ ધાંધલીયા એ જણાવ્યું હતું કે, ઘટના સ્થળેથી મૃતક સગીરાનું આધાર કાર્ડ અને કપડાં મળી આવ્યા હતા. જેના પરથી મૃતકો દાહોદ વિસ્તારના હોવાનું જણાવ્યું હતું અને બંને ૧૩ ઓગસ્ટના રોજ ઘરેથી નીકળી ગયા હતા. યુવકની ઓળખ મેળવવા માટે તપાસ  હાથ ધરવામાં આવી છે. બંનેના આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી. ભવનાથ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(2:10 PM IST)