News of Saturday, 24th August 2024
ઉપલેટા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના મેનેજર મિલિન્દભાઇ ગઢવીએ અવસાન પામેલા ખાતેદારના પરિવારજનને ૨ લાખનો ચેક અર્પણ કર્યો
સરકારની યોજનાઓનો લાભ છેક છેવાડાના માણસો સુધી પહોંચાડવામાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની મહત્વની ભૂમિકા

ઉપલેટા તા. ૨૪ : ઉપલેટાના રહેવાસી - રામશીભાઈ નગાભાઈ બોરખતરિયાએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની ઉપલેટા શાખામાં બચત ખાતું ખોલાવ્યું હતું. તે વખતે મેનેજર મિલિન્દભાઈ ગઢવી તથા સ્ટાફ પરાગભાઈ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભ વિશે માહિતગાર કરાયા હોવાથી તેમણે ‘પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના' હેઠળ વીમો કરાવ્યો હતો. ત્યારબાદ એક જ મહિનામાં તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેની જાણ થતાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ઉપલેટા દ્વારા મૃતકના પરિવારજનોનો સંપર્ક કરાયો હતો તેમજ તેમની પાસેથી જરૂરી કાગળો મંગાવી, સત્વરે વીમાની પ્રોસેસ કરાવી, વીમાની રકમ મૃતકના પત્ની મંજુબેનના ખાતામાં ત્વરિત જમા થઈ જાય તે રીતની પ્રશંસનીય કામગીરી કરી હતી.
આ રીતે સરકારની યોજનાઓનો લાભ છેક છેવાડાના માણસો સુધી પહોંચાડવામાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની ભૂમિકા મહત્ત્વની બની રહી છે. મેનેજર શ્રી મિલિન્દ ગઢવી એ મૃતકના પત્નીને પ્રતીકાત્મક ચેક અર્પણ કર્યો હતો તેમ જ સમગ્ર ઉપલેટા તાલુકાની જનતાને સરકારની વિવિધ બેંકિંગ યોજનાની જાણકારી તેમજ લાભ મેળવવા તથા બેંકમાં ખાતું ન હોય તો ખોલાવવા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક વતી અપીલ કરી હતી. બેંકનું સરનામું : સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, પહેલો માળ, મૌની કોમ્પલેક્ષ, ભગતસિંહ ચોક, ઉપલેટા છે
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
