News of Sunday, 25th August 2024
દ્વારકામાં ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય તૈયારીઓ
યાત્રિકો માટે સ્પે. ટ્રેન દોડાવાશે : જગતમંદિર કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરાયું; ભક્તોમાં ઉત્સાહ

ખંભાળિયા, તા.૨૫ : યાત્રાધામ દ્વારકામાં શ્રાવણ વદ આઠમે, ૨૬મી ઓગસ્ટ ને સોમવારે ભગવાન શ્રીકૃષ્ણના ૫૨૫૧મા જન્મોત્સવને મનાવવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાવિકોમાં પણ ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા અનેરા ઉત્સાહ સાથે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. વળી, યાત્રિકોના ધસારાને પહોંચી વળવા રેલવેએ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો પણ નિર્ણય કર્યો છે.
જન્માષ્ટમી પર્વે લાખો ભાવિકો ભગવાન કૃષ્ણના દર્શન માટે દ્વારકા ઉમટતા હોય છે. આથી રેલવે વિભાગ દ્વારા યાત્રીકોના ઘસારાને પહોંચી વળવા જન્માષ્ટમી સ્પેશ્યલ ટ્રેઇનો પણ દોડાવવામાં આવનાર છે. ઉપરાંત એસ.ટી. વિભાગ દ્વારા ચોક્કસ રૂટો પર વધારાની બસો દોડાવવામાં આવનાર છે.
દ્વારકા જગત મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જગતમંદિરને કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રીયાલન્સના સહયોગથી મુંબઈના જેમીની ગૃપ દ્વારા જગતમંદિરને સુશોભિત કરાયું છે.
રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તા.૨૬મીએ રાત્રે ૮.૦૦ કલાકથી પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં દ્વારકા ઉત્સવ ૨૦૨૪ નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાનાર છે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નામાંકિત કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.જગતમંદિરને સાંકળતાં પ્રમુખ રસ્તાઓ ઉપરાંત વ્યાપક વરસાદમાં ધોવાયેલા શહેરના પ્રમુખ રસ્તાઓને પણ યાત્રીકોની સુવિધા માટે રીપેરીંગ કામ હાથ ધરાયું છે. જન્માષ્ટમી પર્વે યાત્રાધામના પ્રમુખ માર્ગો તેમજ જગતમંદિરની સુરક્ષા કાજે અધિકારીગણના માર્ગદર્શનમાં આશરે ૧૨૦૦ જેટલાં જવાનો ફરજ પર રહેનાર છે. યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વે આવતાં ભાવિકોમાં વ્યાપક વધારો જોવા મળ્યો હોય તેમ હાલમાં પણ વ્યાપક પ્રમાણમાં હોટલ ગેસ્ટહાઉસમાં બુકીંગ જોવા મળી રહ્યું છે.
દ્વારકા ઉપરાંત દ્વારકા દર્શન સર્કિટના નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂક્ષ્મણી મંદિર, બેટ દ્વારકા, ગોપી તળાવ જેવા તીર્થસ્થાનો ઉપરાંત શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, દ્વારકાનો ભડકેશ્વર બીચ, પંચકુઈ બીચ તથા સંગમનારાયણ ચોપાટી પાસે પણ સહેલાણીઓનો તથા પ્રવાસીઓ ઉમટશે.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
