<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

જામનગર ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતા અને સાંસદ પૂનમબેન માડમ - ધારાસભ્ય રીવાબા જાડેજાની ઉપસ્થિતમાં સ્વસહાય જૂથની મહિલાઓ માટે 'લખપતિ દીદી અભિવાદન' કાર્યક્રમ યોજાયો : જામનગર જિલ્લાની 'લખપતિ દીદી' તરીકે સ્વસહાય જૂથની બહેનોનું સન્માન કરી પ્રમાણપત્રો અર્પણ કરાયા

જામનગર જિલ્લાની સ્વસહાય જૂથની બહેનોને રૂ.5 કરોડથી વધુની સહાય અને લાભો અર્પણ કરાયા : બહેનોનું આર્થિક ઉત્થાન થાય અને સામાજિક ભાગીદારીમાં બહેનોને ઉચિત સ્થાન મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ - મંત્રી રાઘવજીભાઈ પટેલ

જામનગર : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં અને સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતમાં કસ્તુરબા વિકાસ ગૃહ ખાતે સ્વસહાય જૂથની મહિલાઓ સાથે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત 'લખપતિ દીદી સન્માન' કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જામનગર જિલ્લાની સ્વસહાય જૂથની બહેનોને યોજનાકીય લાભોનું વિતરણ તેમજ લખપતિ દીદી તરીકે સન્માન કરી પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા.
               
આ પ્રસંગે લખપતિ દીદી આવનારા સમયમાં કરોડપતિ દીદી બને તેવી શુભેચ્છાઓ પાઠવતાં મંત્રીરાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે દેશની બહેનોનું આર્થિક ઉત્થાન થાય અને સામાજિક ભાગીદારીમાં બહેનોને ઉચિત સ્થાન મળે તે માટે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ આજ સુધી અનેક પગલાંઓ લઈ બહેનોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના બહેનો આર્થિક રીતે પગભર બને તો દેશના અર્થતંત્રને વેગ મળે અને દેશ સમૃદ્ધ થાય. અને આ બાબતને ધ્યાને લઈને જ સરકાર તબક્કાવાર આગળ વધી રહી છે.બેન્ક લોન, રિવોલ્વિંગ ફંડ, કેસ ક્રેડિટ વગેરેના માધ્યમથી બહેનો સારી રીતે કામ કરી શકે તે માટેની સુચારૂ વ્યવસ્થાઓ સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, દેશભરમાં માતા-બહેનોને આર્થિક રીતે પગભર કરવા ૩ કરોડ લખપતિ દીદી બનાવવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે, ત્યારે ગુજરાતની સ્વસહાય જૂથોની મહત્તમ મહિલાઓ વાર્ષિક રૂ. એક લાખનું ટર્ન ઓવર કરે અને લખપતિ દીદી બને એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
            
આ પ્રસંગે સાંસદપૂનમબેન માડમે જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં પહેલી વખત મહિલાઓને સશક્ત કરવા માટેના અનેક નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે. જેના આપણા સૌ સાક્ષી છીએ.ભૂતકાળમાં આ તમામ વ્યવસ્થાઓ માત્ર કાગળ પર હતી પરંતુ આજે સાચા અર્થમાં બહેનો પગભર બની રહી છે. ડીબીટીના માધ્યમથી પારદર્શક વ્યવસ્થાઓ સરકાર દ્વારા ગોઠવાઈ છે.મહિલાઓની સંખ્યા દેશમાં 50% જેટલી છે ત્યારે જો આ બહેનો જ શશક્ત ન હોય તો દેશ વિકાસની રાહ પર આગળ ચાલી શકે નહીં. અને તેથી જ મહિલા ઉત્થાન માટેના અનેક પગલાઓ વડાપ્રધાનદ્વારા લેવાઈ રહ્યા છે.આગામી સમયમાં વધુમાં વધુ બહેનો યોજનાકીય લાભો લઈ લખપતિ દીદી બને તેવી સાંસદશ્રીએ આ તકે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્યમેઘજીભાઈ ચાવડા તથા રિવાબા જાડેજાએ મહિલાઓને આર્થિક આત્મનિર્ભરતા પ્રદાન કરતી યોજનાઓની જાણકારી આપી મહત્તમ મહિલાઓને તેનો લાભ લેવા અનુરોધ કરી મહિલાઓને એકજૂથ થઈ આગળ વધવાનું સૂચન કર્યું હતું. અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
            
આ વેળાએ વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને મહારાષ્ટ્રના જલગાંવ ખાતે આયોજિત લખપતિ દીદી સન્માન કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું તેમજ સ્વસહાય જૂથોની સફળ મહિલાઓ- લખપતિ દીદીઓએ પોતાની પ્રગતિ અને સંઘર્ષ તેમજ સરકારી સહાય અંગે ઉત્સાહી પ્રતિભાવો વર્ણવ્યા હતા.
         
આ પ્રસંગે જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, તાલુકા પંચાયત પ્રમુખસંગીતાબેન દુધાગરા, એપીએમસી ચેરમેન મુકુંદભાઈ સભાયા, કિસાન મોરચાના પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ગઢવી, શહેર પ્રાંત અધિકારી પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, હર્ષાબેન રાજગોર, દિનેશભાઈ પરમાર તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સખી મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જામનગર જિલ્લામાં 7,899 સ્વસહાય જૂથોની રચના કરી 72,834 પરિવારોને જોડવામાં આવ્યાં છે. 385 ગ્રામસંગઠન અને 31 કલસ્ટર લેવલ ફેડરેશનની રચના કરવામાં આવી છે. જિલ્લાના 6360 સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ પેટે રૂ. 5 કરોડ, 2,391 સ્વસહાય જૂથોને કૉમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પેટે રૂ. 22 કરોડ અને 3,230 સ્વસહાય જૂથોને બેંક લોન પેટે રૂ.65 કરોડ આપવામાં આવ્યા છે.

 

(4:39 PM IST)