News of Monday, 26th August 2024
ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટને પગલે કચ્છમાં તંત્ર એલર્ટ : જીલ્લા, તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ : જિલ્લાના નાગરિકોએ નદી, નાળા, તળાવ, ડેમ સાઈટ કે અન્ય કોઈ પાણી ભરાતું હોય તેવા સ્થળો ન જવા અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવા જિલ્લા કલેક્ટર અમિત અરોરાનો અનુરોધ : જુઓ વિડિયો
કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ.ની એક ટુકડી તૈનાત : પોલીસ, ફાયર અને આપત્તિ વ્યવસ્થાપન, પીજીવીસીએલ સહિતની વિવિધ ટીમ તૈયાર

(વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્છ જિલ્લામાં વરસાદી મોસમના ફરી મંડાણ થયા છે. કચ્છને રેડ એલર્ટ ઝોન જાહેર કરાયો છે ત્યારે જિલ્લાના નાગરિકોએ નદી, નાળા, તળાવ, ડેમ સાઈટ કે અન્ય કોઈ પાણી ભરાતું હોય તેવા સ્થળો ન જવા અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ અનુરોધ કર્યો છે.
સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જિલ્લાના લગભગ તમામ નદી, નાળા, તળાવ અને ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. આ સ્થળોએ કોઈ વ્યક્તિ ન જાય અને કોઈ પણ દુર્ઘટના બનવા ન પામે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત રસ્તાઓ પરથી પસાર થતા હોય ત્યારે કોઝ વે પરથી પાણી પસાર થતું ત્યારે રસ્તો પાર ન કરવા તથા ઉંડા પાણીમાં ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
આ બાબતે જિલ્લા વાસીઓ પાસે પણ સહકારની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જેથી આ વર્ષાઋતુમાં તમામ જળાશયો નજીક ન જવા અને બાળકોનું પણ ધ્યાન રાખી અકસ્માત નિવારવા માટે જિલ્લાવાસીઓને યોગ્ય કાળજી રાખવા માટે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. હજુ આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે છે.જિલ્લામાં એન.ડી.આર.એફ.ની એક ટૂકડી આવી છે, તે કોઈપણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા સતત તૈનાત છે. જિલ્લામાં ફાયર, પોલીસ, પંચાયત, પી.જી.વી.સી.એલ. , આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર છે. કોઈ પણ બનાવની વિગતો નાગરિકોને મળે તો તેઓ વિગતો કંટ્રોલ રુમ સુધી પહોંચાડી શકે છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
