<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૦ જેટલા સગર્ભા બહેનોને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા

 દેવભૂમિ દ્વારકા :   હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગ દ્વારા અગમચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હાલના સમયમાં પ્રસુતિ થવાની શક્યતા ધરાવતી ૩૦ જેટલી સગર્ભા બહેનોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે.

 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.મિતેષ ભંડેરીના જણાવ્યા અનુસાર હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોય જેના પગલે તમામ આરોગ્યકર્મીઓને સચેત કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને સગર્ભા બહેનોની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. 

 જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઇ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ૮૮ જેટલા સગર્ભા બહેનોને ટ્રેક કરવામાં આવ્યા છે. અને તેમાંથી જે સગર્ભા બહેનોની સંભવિત પ્રસુતિની તારીખ નજીક હોય તેવા ૩૦ જેટલા બહેનોને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. આ ૩૦ બહેનોમાંથી ૧૨ બહેનોની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવવામાં આવી છે. જ્યારે અન્ય ૧૮ બહેનોને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે.

(3:56 PM IST)