તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 27th August 2024
પોરબંદર જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ : ફોદાળા-ખંભાળા ડેમ છલકાયા: નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરાયા
બપોર સુધીમાં બેથી અઢી ઇંચ વરસાદ: છાયાચોકી, સુદામાચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા:બરડા પંથકમાં બેથી અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા વાડી -ખેતરો પાણીથી તરબોળ બન્યા

પોરબંદર જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ થયા હતા. આખો દિવસ અને રાત્રે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે મંગળવારની વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધીમાં બેથી અઢી ઇંચ વરસાદ નોંધાતા શહેરના છાયાચોકી, સુદામાચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
પોરબંદરના બરડા પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વર્ષી રહ્યાં છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા બરડા પંથકમાં બેથી અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેથી વાડી-ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા. ઘેડ પંથકની વાત કરીએ, તો અહિં પણ મોટાભાગના વિસ્તારોમાં પણ બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો હતો.
પોરબંદરને પાણી પુરૂ પાડતા ફોદાળા અને ખંભાળા ડેમ વધુ એક વખત છલકાતા નીચાણવાળા વિસ્તારોને સર્તક કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે આવેલા વર્તુ-2 ડેમના 14 દરવાજા 3 ફુટ ખોલવામાં આવતા પોરબંદર અને દ્વારકા જિલ્લાના કુલ 14 ગામોને સચેત કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં ગત જુલાઇ માસમાં પણ ભારે વરસાદને કારણે મગફળી સહિતના પાકને ભારે નુકશાન થયું હતું. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી અને માલસમાનને નુકશાન થયુ હતું. ત્યારે ફરી એકવાર ભારે વરસાદ વરસતા લોકોને જૂના મુશ્કેલીના દિવસો યાદ આવ્યા છે.
પોરબંદર જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. આજ સવારથી બપોરના 12-00 કલાક સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો પોરબંદર તાલુકામાં 74 મીમી,રાણાવાવ તાલુકામાં 71 મીમી અને કુતિયાણા તાલુકામાં 56 મીમી વરસાદ નોંધાયો છે. આ વર્ષે છેલ્લા 40 વર્ષનો રેકોર્ડ તોડયો છે. અત્યાર સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ, તો પોરબંદર તાલુકામાં 1304 મીમી, રાણાવાવ તાલુકામાં 1169 મીમી અને કુતિયાણા તાલુકામાં 1008 મીમી વરસાદ નોંધાયો છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
