તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
વંથલી પાસેના અકસ્માતમાં ૩ યુવાનોના મોત મામલે વધુ એક પોલીસ ફરિયાદ
અગાઉ રીક્ષા ચાલક સામે થયા બાદ કાર ચાલક સામે થઇ ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૩૦: શીતળા સાતમ રવિવારે સાંજે ૫ વાગ્યે વંથલી નવા બાયપાસ કોઈલી ઓવરબ્રિજ નજીક જીજે ૦૭ વીવી ૭૭૦૫ નંબરની પ્યાગો રીક્ષા અને જીજે ૦૩ એનકે ૬૭૮૫ નંબરની કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં શાપુરનાં રીક્ષા ચાલક સમીરભાઈ અલી ભાઈ પલેજા તેમજ રિક્ષામાં સવાર પ્રવીણભાઈ દેવશીભાઈ મકવાણા અને રમણીકભાઈ બોઘાભાઈનું મૃત્યુ નીપજયું હતું.
આ અકસ્માત અંગે રવિવારની રાત્રે ૮:૪૫ વાગ્યે મૃતક પ્રવીણભાઈના ભાઈ મગનભાઈ દેવશીભાઈ મકવાણાએ રીક્ષા ચાલક સમીરભાઈ પલેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, મરનાર પ્રવીણભાઈ અને રમણીકભાઈ સમીરભાઈની રીક્ષામા બેસીને બાયપાસ બાજુથી સમીરભાઈ રોંગ સાઈડમાં રિક્ષા ચલાવીને આવતા હતા અને તેમણે રીક્ષાનો ઓચિંતો કાવો લેતા કારમાં સામેથી ભટકાતા અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પીએસઆઇ વાયબી રાણાએ તપાસ હાથ ધરી હતી.
આ ફરિયાદ બાદ ૨૮ ઓગસ્ટ બુધવારના રોજ મૃતક રીક્ષા ચાલકના ભાઈ સાજીદભાઈ અલીભાઈ પલેજાએ કાર ચાલક વિરૂધ્ધ રીક્ષા વંથલી બાજુથી જતી હતી ત્યારે વંથલી બાજુથી આવેલ કારના ચાલકે પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જતા સમીરભાઈ, પ્રવીણભાઈ અને રમણીકભાઈનું મૃત્યુ થયાની ફરિયાદ કરી હતી. જે અંગે પીએસઆઇ આર. વી. આહિરે તપાસ હાથ ધરી છે. આમ ગોઝારા અકસ્માતની ફરિયાદમાં વિસંગતતા સામે આવી હતી.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
