તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 30th August 2024
ઝાલાવાડમાં વરાપ : મૂળી સિવાય જીલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો : ચોટીલા - ચુડામાં ૧ ઇંચ : વાયર પડતા ૧૦ વર્ષની બાળકીનું મોત : પાંચ દિ'થી જીઆઇડીસીનો કોઝવે બંધ : સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રોગચાળાનો ભય

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩૦ : સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમી પર્વથી ભારે વરસાદ બાદ વરસાદે જાણે ખમૈયા કર્યા હોય તેમ વરસાદનું જોર ઘટયુ છે. હવામાન વિભાગે જિલ્લાને રેડ એલર્ટમાં સમાવ્યો હતો તેમ છતાં જિલ્લામાં યલો એલર્ટ જેમ વરસાદ થયો છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો જિલ્લાના ચોટીલામાં ૩૭ મિમી અને ચૂડામાં ૩૫ મિમી વરસાદ નોધાયો છે. જયારે લીંબડીમાં પણ ૨૧ મિમી વરસાદ થયો છે. આ સીવાય અન્ય તાલુકાઓ દસાડા, ધ્રાંગધ્રા, લખતર, સાયલા, થાન અને વઢવાણમાં વરસાદી ઝાપટા થયા છે. જયારે મૂળી તાલુકો છેલ્લા ૨૪ કલાકથી વરસાદ વીહીન રહ્યો છે. ભારે વરસાદ બાદ ગુરુવારે સુર્યનારાયણ પણ બપોરે તપ્યા હતા. અને વરાપ નીકળતા ખેડૂતોમાં હાશકારો થયો હતો. બીજી તરફ જિલ્લામાં દિવસભર ફુંકાતા ઠંડા પવનોને લીધે વાતાવરણ ઠંડુગાર થઈ ગયુ હતુ. આજે તા. ૩૦મીએ જિલ્લાનો ઓરેન્જ એલર્ટમાં હવામાન વિભાગે સમાવેશ કરી હળવા વરસાદની શકયતા જણાવી છે.
ધ્રાંગધ્રા-હળવદ રોડ પર મેવાડા ઓઈલ મીલ પાસે રહેતા દેવાશિષભાઈ સોમપુરાની ૧૦ વર્ષની દિકરી ધ્યાના સોમપુરા અને તેની બહેનપણી પ્રિયા ભાર્ગવભાઈ દવે બંને સાંજના સમયે ધ્રાંગધ્રા-હળવદ મેઈન રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જીવતો વીજવાયર બંને બાળકીઓ પર પડતા વીજ શોક લાગવાથી ધ્યાના સોમપુરાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાળકી આ બનાવને લઈ ગભરાઈ ગઈ હતી.
જ્યારે અન્ય બાળકીને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી છે આ બનાવની જાણ થતાં બન્ને બાળકીના પરિવારજનો સગા-સબંધીઓ તેમજ રાજકીય આગેવાનો સહિત શહેરીજનો મોટીસંખ્યામાં હોસ્પીટલ ખાતે ઉમટી પડયા હતાં. તેમજ પીજીવીસીએલ તંત્રના સ્થાનીક અધિકારીઓ પણ આ બનાવને લઈ ઘટના સ્થળ સહિત હોસ્પીટલે આવી પહોંચ્યા હતા. પીજીવીસીએલ તંત્રની બેદરકારીના કારણે પોતાની દિકરીએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી હતી. બાળકીનું મોત નીપજતા વીજતંત્રની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગરની આર્થિક ધરોહર જીઆઈડીસી તરફ જવાનો કોઝવે ૫ દિવસથી બંધ છે. ૧૯૯૦થી જીઆઈડીસી કોઝવે બિસમાર બન્યો છે. ૩૫ વરસથી દર ચોમાસે આ રસ્તો બંધ થઇ જાય છે અને દર વર્ષે રિપેરીંગ માટે ખર્ચો થાય છે. તેથી સોના કરતા ઘડામણ મોંઘુ થાય છે. ત્યારે ૫ દિવસથી કોઝવે બંધ રહેતા ૫૦ હજારથી વધુ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભોગાવો નદી પર જીઆઇડીસી પર ઊંચો પુલ ઝડપથી બનાવવાની માંગ નગરવાસીઓ કરી રહ્યા છે.
વઢવાણ જીઆઇડીસી કોઝવે પરથી હજારો મજૂરો પસાર થાય છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડ, સુરસાગર ડેરી, ડી માર્ટને કારણે વાહનોની અવરજવર વધી છે. જીઆઇડીસી કોઝવેની જગ્યાએ ૨૨ કરોડના ખર્ચે સબવે પુલ એટલે નીચો પુલ બનાવવાનો નિર્ણય ભાજપના સત્તાધારી પક્ષ દ્વારા લેવાયો છે. પરંતુ હાલ જોરાવરનગર અને જિલ્લા પંચાયતના કોઝવે બંધ છે તેથી જો નીચો પુલ બનશે તો કરોડો રૂપિયા પાણીમાં જશે. વઢવાણ જીઆઇડીસી કોઝવે પર પાણીનું નિરિક્ષણ કરવા ચીફ ઓફિસર સાગર રાડિયા અને પાલિકા એન્જિનિયર કયવંતભાઇ હેરમા આવ્યા હતા ત્યારે વઢવાણવાસીઓએ રોષ વ્યક્ત કર્યો અને બિસમાર કોઝવે ઉપર ઊંચો પુલ બનાવવા માંગ કરી હતી.
સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસમાં આશરે ૧૦ ઈંચ કરતા વધુ વરસાદ ખાબકયો છે. જોકે, છેલ્લા ૪૮ કલાકથી ભારે વરસાદે વિરામ લીધો છે. અને ઝાપટા સ્વરૂપે વરસાદ આવી રહ્યો છે. પરંતુ ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. તેમાં પણ શહેરના રતનપર, ૮૦ ફુટ રોડ અને નવા જંકશન વિસ્તારમાં કફોડી સ્થિતિ થઈ હતી. ત્યારે ભારે વરસાદના વિરામના ૪૮ કલાક બાદ પણ અમુક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી.
જેમાં ૮૦ ફુટ રોડ પર આવેલ ગીતાનગર, રણજીતનગર સહિતની સોસાયટીમાં જવાના રસ્તા પર પાણી ભરાયા છે. જેના લીધે રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. બીજી તરફ શહેરના રતનપર વિસ્તારમાં કોમન પ્લોટમાં ચીક્કાર વરસાદી પાણી ભરાયા છે.
આ પાણીમાં મચ્છરો થવાથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. પંપ સહિતના મશીનો લઈને પાણી નિકાલ કરતી પાલિકા રતનપરના કોમન પ્લોટોમાંથી પણ પાણી નિકાલ કરે તેવી લોકમાંગ આ વિસ્તારમાં ઉઠી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
