<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

માંડવી, નખત્રાણા, અબડાસા, મુંદરા, ભુજમાં સ્થળાંતરિત કરાયેલા અસરગ્રસ્તો માટે ફુડ પેકેટનો પુરવઠો પૂરો પાડવામાં વહીવટીતંત્ર અને કચ્છની સેવાભાવી સંસ્થાઓ મદદે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્છમાં ભારે વરસાદથી  પ્રભાવિત લોકોને વહીવટી તંત્ર સુરક્ષા અને સલામતી હેતું સ્થળાંતરીત કરાયા છે. ખાસ કરીને માંડવી, અબડાસા, મુંદરા, ભુજ તાલુકામાં નીચાણવાળા તથા કાચા મકાન ધરાવતા લોકોને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે. ત્યારે આ તમામ લોકોના આરોગ્ય તથા જઠરાગ્નિ ઠારવા વહીવટીતંત્ર કટિબધ્ધ છે. ગઇકાલે ફુડ પેકેટના વિતરણ સાથે આજરોજ પણ ફુડ પેકેટની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે સામાજિક સંસ્થાઓના સહયોગથી અસરગ્રસ્તો સુધી ભોજન, પાણી, કપડા અને દવા સહિતની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.
   મળેલ માહિતી મુજબ સેવાકીય સંસ્થાઓ અક્ષય પાત્ર, રિલાયન્સ ફાઉન્ડેશન, ભુજ સ્વામિનારાયણ મંદિર, આગેવાન અરવિંદભાઇ પીંડોરીયા સહિત અન્ય સ્થાનિક સંસ્થાઓના સહયોગથી ફુડ પકેટનો જથ્થો તથા પાણીનો જથ્થો પુરો પાડવામાં આવ્યો છે. જે ગઇકાલે તથા આજરોજ માંડવી, અબડાસા સહિતના આશ્રયસ્થાન પર રવાના કરવામાં આવ્યો છે

   આ સાથે સરહદ ડેરી દ્વારા મિલ્ક પાઉડરનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે જે માંડવી ખાતે મોકલવામાં આવ્યો છે. તે સાથે પાણીની બોટલ, દવા સહિતની પ્રાથમિક સુવિધાની ચીજવસ્તુઓ વહીવટીતંત્ર દ્વારા આશ્રયસ્થાનો સુધી પહોંચાડવામાં આવી છે. આજરોજ અબડાસમાં ૨૦૦૦, માંડવીમાં ૨૪૦૦ ફુડ પેકેટનો જથ્થો રવાનો કરવામાં આવ્યો છે. જયારે અંજાર, લખપત તથા નખત્રાણામાં સ્થાનિક સામાજિક સંસ્થાની મદદથી ભોજન, પાણી સહિતની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. .
જિલ્લામાં તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ વરસાદના લીધે પાણી ભરાયેલા વિસ્તારમાંથી સ્થળાંતરિત કરાયેલા લોકો સુધી ફૂડ પેકેટ પહોંચે તે માટે જિલ્લા પુરવઠા અધિકારીના સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યા છે. આફત સમયે અનેક સેવાભાવી સંસ્થાઓ જિલ્લા વહીવટીતંત્રની ડિમાન્ડ મુજબ રાત દિવસ ફૂડ પેકેટ બનાવવાના કાર્યમાં પોતાની ભાગીદારી નોંધાવી રહી છે.

(7:13 PM IST)