<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

માલણપુરમાં તળાવના પાણીનો નિકાલ ન થતાં ૧૦૦૦ વીઘા જમીન પાણીમાં ગરકાવ

પાણીના નિકાલ અને વિજ પુરવઠાની અનિયમિતતા મામલેઃ પાટડીમાં આવેદનપત્ર આપ્‍યુ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩૧: પાટડી તાલુકાના માલણપુરમા તળાવનું પાણી નિકાલ ન થવાથી પાછું પડતા ૧,૦૦૦ વીઘા જમીન હાલ પાણીમાં ગરકાવ છે. અને ગામમાં વરસાદ વચ્‍ચે વિજ પુરવઠો અનિયમિત થવાથી ઉંમર લાયક બિમાર લોકો અને નાના બાળકોની હાલત કફોડી બની છે. આથી માલણપુર ગામે પાણીના નિકાલ અને વિજ પુરવઠાની અનિયમિતા મામલે લાલઘુમ બન્‍યા છે. અને આ વિકટ પ્રશ્નનો તાકીદે નિવેડો લાવવાની રજૂઆત સાથે પાટડી પ્રાંત કલેકટરને લેખિત આવેદનપત્ર આપ્‍યું હતું.

માલણપુર ગામે પાણીનો નિકાલ માલણપુર તળાવમાંથી માલણપુર સ્‍ટેશન (માંડલ-વિરમગામ હાઈવે પર) તથા સ્‍ટેશનથી હાઈવે પર બંને બાજુઓની ગટરોમાંથી માંડલમાંથી પસાર થતાં વોકળામાં થાય છે. પરંતુ છેલ્લા બે ચાર વર્ષથી માંડલ વિરમગામ હાઈવે બનતા પાણીનો નિકાલ બંધ થયો છે. બે ત્રણ દિવસથી વરસાદ બંધ હોવા છતાં પાણીનો નિકાલ ન થવાથી માલણપુર ગામના તળાવનુ પાણી પાછું પડી માલણપુર ગામની ૯૦૦ થી ૧૦૦૦ વીઘા જમીન હાલ પાણીમાં ગરકાવ થવાથી ઉભા પાકમાં વ્‍યાપક નુકશાન થયું છે. આથી માંડલ વિરમગામ હાઈવેની બંને સાઈડની ગટરો સાફ કરાવી યોગ્‍ય કાર્યવાહી કરવા બાબતે માલણપુર ગ્રામજનો દ્વારા પાટડી પ્રાંત કલેકટર જયંતસિંહ રાઠોડ, મામલતદાર અને ધારાસભ્‍ય પી.કે.પરમારને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

વધુમાં મુકેશભાઈ બુટીયા સહિતના ગ્રામજનો દ્વારા રજૂઆત કરતા જણાવ્‍યું હતું કે, માલણપુર ગામના ખેડૂતોની ખેતી લાયક જમીન માંડલ તાલુકાના નવાગામ અને પાટડી તાલુકાના વઘાડા ગામના સીમાડે આવેલી છે. જયાં વર્ષોથી નાના ઉભડા અને નવાગામના પાણીનો નિકાલ વઘાડાનું નેળીયુ આવેલું છે. પરંતુ માંડલ વિરમગામ હાઈવે પર વઘાડાથી માલણપુર આવતા વચ્‍ચે ખારાઘોડા મેઈન કેનાલ આવતા નાના ઉભડા અને નવાગામનુ પાણી કેનાલની સાઈડમાં આવેલી ગટરમાં થઇ વઘાડા સાઈડ આવતી આશરે ૫૦૦ વીઘા જમીનમાં પાણી ભરાય છે. અને ખેતીમાં ઉભા પાકને વ્‍યાપક નુકશાન થવાથી તંત્ર દ્વારા વર્ષો જૂની પાણી નિકાલની વ્‍યવસ્‍થા ફરી કરવામાં આવે એવી રજુઆત કરવામાં આવી હતી.

જયારે વધુમાં મુકેશભાઈ બુટીયાએ આક્રોશ સાથે જણાવ્‍યું હતું કે, માલણપુર ગામમાં પીજીવીસીએલ દ્વારા વિજ પુરવઠો અનિયમિત આપવાની સાથે રોજ રાત્રે લાઈટ જતી રહેતી હોવાથી ઉંમર લાયક બિમાર લોકો અને નાના બાળકોની હાલત ખુબ જ કફોડી બની જાય છે.

(9:58 AM IST)