તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Saturday, 31st August 2024
મૂળી-સરા વિસ્તારના ખેડૂતોના પાકને ૫૦ ટકાથી વધારે નૂકસાન
ચોટીલા, થાનગઢ વિસ્તારમાં ૧૫ થી ૨૦ ઇંચ વરસાદ વરસ્યોઃ ઝાલાવાડમાં ડેમ, નદી અને નાળા છલકાઇ ગયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩૧: ચોમાસુ શરૂ થયા બાદ ઝાલાવાડમાં સવા બે મહિના સુધી મેઘરાજા સંતાકુકડી રમી રહયા હતા.પરંતુ બે જ દિવસમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતા મૂળી, ચોટીલા અને થાનગઢ વિસ્તારમાં ૧૫ થી ૨૦ ઇંચ વરસાદ વરસ્યો હતો. એકસાથે પવન સાથે ભારે વરસાદના કારણે જિલ્લાભરમાં અનેક ખેડૂતોના પાક ધોવાઇ ગયા,સતત પાણી ભરવાના કારણે પાક બળી ગયો અને કપાસના પાકનો ફાલ પણ ખરી ગયો છે.
સરાના પરીમલભાઇ પરીખે જણાવેલકે સરા વિસ્તારમાં કપાસના પચાસ ટકાથી વધારે પાકને ભારે નુકસાન થયુ છે. બીજી તરફ ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાનીના સર્વેના પણ આદેશ આપી દેવાતા ખેતીવાડી વિભાગ દ્વારા ટીમો બનાવી સર્વે પણ શરૂ કરી દેવાયો છે. પરંતુ ખેડૂત આગેવાન રાજુભાઇ કરપડાએ જણાવેલ કે સમગ્ર જિલ્લામાં ખેતર ખેતર સુધી તંત્રને પહોંચતા લાંબો સમય લાગી શકે છે. જેથી ખેડૂતોને પાક નુકસાની થઇ હોય તો કોને, કઇ યોજનામાં, કયાં, ઓફલાઇન કે ઓનલાઇન, કેટલા સમયમાં રજૂઆત કે અરજી કરવાની એની સ્પષ્ટતા ન કરાતા ખેડૂતો અંસમંજશમાં મુકાયા છે. જેથી ત્રણ દિવસમાં ખેતીવાડી વિભાગ દ્વારા સ્પષ્ટતા નહીં કરાય તો ખેડૂતો કલેકટર કચેરીએ સામુહીક રજૂઆત કરશે. હવે ખેતીવાડી વિભાગ યોગ્ય સ્પષ્ટતા કયારે કરે છે અને નુકસાની થયેલ દરેક ખેડૂતોના ખેતર સુધી કયારે પહોચે છે. એની નજર મંડાયેલી છે.
સર્વે માટે ૭૩ ટીમ બનાવી છે
સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી પરમારે જણાવેલ કે સર્વે માટે તલાટી,ગ્રામસેવક અને બાગાયત અધિકારીની અલગ-અલગ ૭૩ ટીમો બનાવી સર્વે શરૂ કરી દેવાયો છે એસ.ડી.આર.એફ.યોજના હેઠળ શહાય ચુકવાશે અને પાક નુકસાની થઇ હોય એ ખેડૂતો પ્રાથમીક ગ્રામ સેવકને જાણ કરી શકે છે.
સરાના પરીમલભાઇ પરીખે જણાવેલ કે જિલ્લામાં સૌથી વધારે વરસાદ પાંચાળ વિસ્તારમાં વરસ્યો છે ત્યારે બે દિવસ સતત વરસાદના કારણે સરા વિસ્તારના ખેડૂતોના પચાસ ટકાથી વધારે કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયુ છે જેઓની યોગ્ય વળતરની માંગ છે.
જિલ્લાભરના ખેડૂતો મૂંઝાયા
ખેડૂત આગેવાન રાજુભાઇ કરપડાએ જણાવેલ કે ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે તો શરૂ કરી દીધો. પરંતુ જે ખેડૂતોને પાક નુકસાની છે. એ ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરે, કઇ રીતે કોને અને કયાં અરજી કરે એવી કોઇ સ્પષ્ટતા જ નથી કરી. જેના કારણે ખેડૂતો મુંઝાયા છે. ત્રણ દિવસમાં ખેતીવાડી વિભાગ આ અંગેની સ્પષ્ટતા નહીં કરે તો સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કચેરીએ ખેડૂતો સામુહીક રજૂઆત કરશે.
પાક બળી અને આડો પડી ગયો
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રણ દિવસ પવન સાથેના મુશળધાર વરસાદના કારણે ખેડૂતોનો પાક બળી ગયો, ફાલ ખરી ગયો અને ભારે પવનના કારણે આડો પડી જતા ખેડૂતોના કપાસ સહિતના જુદાં જુદાં પાકને લાખો રૂપિયાનું નુકસાન થયુ છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
