<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

ગોંડલના વાછરામાં વિનુભાઇ મકવાણા પેટ્રોલ છાંટી સળગ્‍યાઃ ઠારવા જતાં પત્‍નિ શોભનાબેન પણ દાઝી ગયાઃ પતિનું મોત

વિનુભાઇ મકવાણા અને શોભનાબેન મકવાણાને રાજકોટ ખસેડવામાં આવ્‍યાઃ સવારે પતિ વિનુભાઇએ દમ તોડતાં અરેરાટીઃ તબિબની પ્રાથમિક પુછતાછમાં વિનુભાઇએ મરી જવું હતું એટલે સળગ્‍યાનું રટણ કર્યુ હતું: પત્‍નિએ કહ્યું હું ઠારવા જતાં દાઝી ગઇઃ ગૃહકલેશની શક્‍યતા

રાજકોટ તા. ૩૧: ગોંડલ તાબેના વાછરા ગામે દંપતિ ગંભીર રીતે દાઝી જતાં ગોંડલ સારવાર અપાવી બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે. અહિ પોલીસ ચોકીના સ્‍ટાફની પ્રાથમિક તપાસમાં બંને જાતે પેટ્રોલ છાંટીને સળગી ગયાનું જણાતાં તે મુજબની એન્‍ટ્રી નોંધી હતી. તબિબની પ્રાથમિક પુછતાછમાં પતિએ પોતાને મરી જવું હોવાથી સળગી ગયાનું રટણ કર્યુ હતું. જ્‍યારે પત્‍નિે પોતે પતિ સળગતાં હોઇ તેને ઠારવા જતાં દાઝી ગયાનું કહ્યું હતું. ગોંડલ તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ વાછરા ગામે રહેતાં વિનુભાઇ રવજીભાઇ મકવાણા (ઉ.વ.૪૬) અને તેમના પત્‍નિ શોભનાબેન વિનુભાઇ મકવાણા (ઉ.વ.૪૫) સાંજે આઠેક વાગ્‍યે રૂમમાં ગંભીર રીતે દાઝી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ભાવેશભાઇ, કાનાભાઇ સહિતની સ્‍ટાફની પ્રાથમિક પુછતાછમાં પતિ-પત્‍નિ બંનેએ શરીરે કપડા પર પેટ્રોલ છાંટી જાતે સળગી ગયાનું જણાવાતા તે મુજબની નોંધ ગોંડલ તાલુકા પોલીસને કરાવી હતી.

જો કે તબિબે સારવાર કરતી વખતી બનાવની હિસ્‍ટ્રી નોંધતા વિનુભાઇએ પોતાને મરી જવું હોવાથી સળગી ગયાનું રટણ કર્યુ હતું. જ્‍યારે પત્‍નિ શોભનાબેને પતિને પોતે ઠારવા જતાં દાઝી ગયાનું જણાવ્‍યુ઼ હતું. બંને ગંભીર રીતે દાઝી ગયા હોઇ સારવાર હેઠળ છે. વિનુભાઇ પાંચ ભાઇ અને એક બહેનમાં ચોથા છે અને ખેતી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સગાના કહેવા મુજબ પતિ-પત્‍નિ વચ્‍ચે કોઇ વાતે ગૃહ કલેશ થયો હોઇ શકે છે. જો કે પરિવારજનો પણ ચોક્કસ કારણ જાણતાં ન હોઇ ગોંડલ તાલુકા પોલીસે કારણ જાવણા માટે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(10:47 AM IST)