News of Saturday, 31st August 2024
જામનગરમાં તહેવારોના સમયે વરસાદે વરસાવેલા કહેરના કેટલાક દ્રશ્યોઃ સૈન્ય સહિતની ટીમો મદદે આવેલ

જામનગરઃ જામનગર શહેર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો બાદ વરસાદે કહેર વર્તાવ્યો છે. જામનગર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. ચાર દિવસની વરસાદી બેટિંગને લઈને અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા. ખાસ ૧૦૦ થી વધુ લોકોને જામનગર જિલ્લામાં રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જામનગરમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં રાજકોટ ઘંટેશ્વર ૧૩ એસ બી આર એફ ની ટીમ ઉપરાંત સૈન્યની મદદ પણ લેવામાં આવી હતી અને અનેક લોકોને એરલીફ્ટ, રેસ્કયુ કરવામાં આવ્યા હતા. જામનગરમાં ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ તો ઘાંચીની ખડકી, પટેલ પાર્ક, જડેશ્વર પાર્ક, રામેશ્વર નગર પાસે આવેલ પટેલ વાડી, વિનાયક પાર્ક, ગાંધીનગર પાછળ આવેલ પુનિતનગર અને વિભાપર તેમજ નવાગામ ઘેડ વિસ્તાર ઉપરાંત ભાગોળે આવેલ રંગમતી નાગમતી નદીના કાંઠે નદીઓનો પ્રવાહ ઘરોમાં પહોંચ્યો હતો. કેટલાક લોકોએ બે દિવસ ખાવા પીવાનું નહીં મળતા ભારે હાલાકીઓ વેઠી હતી અને ઘરોમાં પણ કમરડૂબથી માંડી ગળાડૂબ પાણી જોવા મળ્યા હતા. વિભાપર આસપાસ આવેલા સોસાયટીમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા અને વિભાપર પટેલ સમાજ પાસેના પુલ ઉપરથી પાણીના પ્રવાહ વહેતો પણ જોવા મળ્યા હતા. અને આસપાસના વીજ પોલ પણ ક્ષતિગ્રસ્ત થયા હતા અને કેટલીક મકાનોની દીવાલો પણ પાણીના પ્રવાહથી ધરાશાયી થઈ છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
