<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

જુનાગઢમાં પશુધનના આરોગ્‍યની દેખભાળ માટે પશુપાલન વિભાગની ૧૧ ટીમ કાર્યરત

પશુ ચિકિત્‍સકોની ટીમ દ્વારા ૧૦૦ થી વધુ ગામોની મુલાકાત લીધી : ૧૭પપ પશુનોની સારવાર કરાઇ પશુઓના સ્‍વાસ્‍થ્‍યને અસર ન પહોંચે દૂધ ઉત્‍પાદન ઘટે નહીં તે માટે માર્ગદર્શિત કરાયા

જૂનાગઢ તા.૩૧:  જિલ્લા કલેકટર  અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લાના પશુપાલકોના પશુઓના સ્‍વાસ્‍થ્‍યની પણ તકેદારીઓ લેવામાં આવી રહી છે, આ માટે જિલ્લામાં ચિકિત્‍સકોને સમાવતી ૧૧ ટીમો કાર્યરત છે અને ભારે વરસાદથી અસરગ્રસ્‍ત ૧૦૦થી વધુ ગામોની મુલાકાત લઇ પશુ ચિકિત્‍સકો દ્વારા ૧૭૫૫ જેટલા પશુઓને જરૂરી દવાઓ સાથે સારવાર આપવામાં આવી છે.

પશુઓના સ્‍વાસ્‍થ્‍યને અસર ન પહોંચે તેમજ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે પણ જરૂરી તકેદારી લેવામાં આવી રહી છે, આ માટે બીમાર પશુઓની સારવાર સાથે ચેપી રોગચાળોનો ઉપદ્રવ ન થાય તે માટે રસીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

પશુપાલન વિભાગ દ્વારા પૂરના કારણે ભારે વરસાદ અને પૂરના કારણે પશુપાલકોને પશુઓની લેવાની થતી કાળજીઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્‍યા હતા. ઉપરાંત પશુઓના સ્‍વાસ્‍થ્‍યને અસર ન પહોંચે અને દૂધ ઉત્‍પાદન ઘટે નહીં તે માટે પશુપાલકોને માર્ગદર્શિત કરવામાં આવ્‍યા હતા.

હાલ પશુઓના આરોગ્‍યની સંભાળ માટે રસીકરણ સહિતની કામગીરી યથાવત છે.

જૂનાગઢ શહેરમાં રોગચાળો અટકાવવા સઘન સફાઈની સાથે ૨૫૦૦ કિલો ચૂના મિશ્રિત

મેલોથિયોન પાવડરનો છંટકાવ

જૂનાગઢ તા.૩૦,   જૂનાગઢ શહેરમાં ભારે વરસાદના પગલે રોગચાળો ન ફેલાય તે માટે સઘન સફાઈની સાથે છેલ્લા બે દિવસમાં ચૂના સાથે મિશ્રિત મેલોથિયોન પાવડરનો ૧૦૦ થેલી એટલે કે ૨૫૦૦ કિલોનો છંટકાવ કરવામાં આવ્‍યો છે.

મહાનગરપાલિકાના તમામ ૧૫ વોર્ડમાં સફાઈ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરમાં ૬૫૦થી વધુ સફાઈ કર્મીઓ દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી છે. ૫૦ જેટલા સફાઈ કર્મીઓ દ્વારા રાત્રિના સમયે પણ સફાઈ કરવામાં આવી રહી છે. કચરો ડમ્‍પ થાય છે તેવા શહેરના ૧૪૦ પોઈન્‍ટ પણ ચોખ્‍ખા કરી દેવામાં આવ્‍યા છે. ઉપરાંત ૭૫ રીક્ષા મારફત ડોર ટુ ડોર કલેક્‍શન કરવામાં આવી રહ્યું છે.

માર્ગ મરામતનું કાર્ય પુરજોશમાં

જૂનાગઢઃ જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા ભારે વરસાદથી બિસ્‍માર બનેલા માર્ગોનું પુરજોશમાં મરામત કાર્ય કરવામાં આવી રહ્યું છે, આજે ભરડાવાવ થી ભવનાથ સુધીના મુખ્‍ય માર્ગનું મેટલિંગ દ્વારા પેચ વર્ક કરવામાં આવ્‍યું છે.

 ભારે વરસાદથી અસરગ્રસ્‍ત બનેલા રસ્‍તાઓથી લોકોને રાહત મળી રહે તે માટે વરસાદના વિરામ સાથે જ શહેરના જુદા જુદા રસ્‍તાઓનું મરામત કામગીરી કરવામાં આવી રહી છે. જેસીબી અને રોલિંગ મશીન દ્વારા રસ્‍તાઓને સમથળ કરવામાં પણ આવી રહ્યા છે.

(1:35 PM IST)