તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
બન્ને બહેનોએ એકનો એક ભાઇ ગૂમાવ્યો : પિતા પણ સાથે મોતને ભેટયા : જામનગરનો બાવાજી પરિવાર હતપ્રભ
૧૫ દિ' પહેલા જ શુભમનો જન્મદિવસ ઉજવાયો'તો : તહેવારોમાં પિતા-પુત્ર જામજોધપુર ગયેલા અને પરત ફરતા રેલ્વેના અંડરબ્રિજમાં ખાડામાં ફસાયા : પાલિકાની આંખ ઉઘાડનારી ઘટના

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩૧ : જામનગરમાં જન્માષ્ટમી બાદ આવેલા અનરાધાર વરસાદે અનેક પરિવારોના માળા વિખ્યા છે. ત્યારે પાંચ દિવસના વરસાદી કહેરના પ્રકોપમાં સત્યમ કોલોની અંડર બ્રિજમાં પિતા પુત્ર પ્રસંગ પતાવીને આવતા હતા ત્યારે જ મળત્યુ નિપજ્યા છે. જેને લઈને પરિવારમાં ભારેગમગીની છવાઈ છે.
જામનગરના સત્યમ કોલોની નજીક રહેતા બાવાજી પરિવારના ૧૪ વર્ષના પુત્ર શુભમ પાણીમાં ફસાયો હતો જેને બચાવવા માટે પિતા પ્રદીપપરી લાલપરી ગોસ્વામી દોડયા હતા. અને તે પણ ફસાયા હતા. આ સમગ્ર ઘટના અંગે લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા પિતા પુત્રની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સૌ પ્રથમ ૧૪ વર્ષના પુત્ર શુભમનો મળતદેહ મળી આવ્યો હતો અને તેના પિતા લાપતા હતા. બાદમાં બીજે દિવસે બપોરે તેના પિતા પ્રદિપપરી ગોસ્વામીનો પણ મળતદેહ મળી આવ્યો હતો.
તાજેતરમાં જ ૧૫ દિવસ પહેલા પુત્રનો જન્મદિવસ ઉજવ્યા બાદ જામજોધપુર ખાતે તહેવારો પતાવી પરત ફરતા પિતા પુત્ર વરસાદની તારાજીમાં રેલવે અંડર બ્રિજમાં ખાડામાં ફસાયા હતા અને મોતને ભેટયા છે. આ અંડર બ્રિજમાં દર વરસાદે પાણી ભરાતું હોય છે જેને લઇને વાહન વ્યવહાર પણ ઠપ થાય છે. ત્યારે પાણી ન ભરાય તે માટેની કોઈ વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં નથી આવી. જેથી બાવાજી પરિવારના પિતા પુત્રનો ભોગ લેવાયો છે. ત્યારે ચૌદ વર્ષના પુત્રની માતા અને તેને બચાવવા ગયેલ પિતાની પત્ની હાલ આ શોક સહન નથી કરી શકી, બે બહેનો વચ્ચે માત્ર એક ભાઈ હતો તે પણ ડૂબીને મોતને ભેટતા બંને બહેનોનો વહાલસોયો ભાઈ પણ પૂરના પ્રક્રોપે ઝૂંટવી પિતાની છત્રછાયા પણ ગુમાવી છે. અને તેની હાલત પણ અત્યંત દયનીય છે. ત્યારે ફરી આ પ્રકારની દુર્ઘટના ન ઘટે અને કોઈના જીવ ન જાય તે માટે અંડર બ્રિજમાં પાણી ન ભરાય તે માટે મહાનગરપાલિકા નું તંત્ર જાગે અને કામગીરી કરે તેવી લોક લાગણી ઉઠી છે. (તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
