<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

જૂનાગઢમાં ભારે વરસાદ પણ કાળવા વોંકળાને ઊંડો ઉતારવા અને સાફ સફાઈથી મોટી રાહત અનુભવતા લોકો

-જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા કાળવા વોંકળાને ૧ મીટર ઊંડો ઉતારવાની સાથે વોંકળાની બંન્ને તરફ લંબાઈ ૨.૫ મીટર વધારાઈ : ભારે વરસાદ પણ પાણી ઘૂસવાની સમસ્યા નહિવત: લોકોને પૂરના પાણીથી સુરક્ષિત રાખવા મહાનગરપાલિકા દ્વારા રૂ. ૧.૪૦ કરોડના ખર્ચે ૫ સ્થળોએ ૨૬૦ મીટર જેટલી પ્રોટેક્શન વોલ બનાવી: કાળવા વોંકળામાંથી માટી કાપ કાઢી અને ઝાડી જાખરા દૂર કરવા અને પૂર સંરક્ષણ દિવાલ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને મનપા તંત્રનો આભાર વ્યક્ત કરતા નાગરિકો: રાયજીનગર સોસાયટીના પ્રમુખશ્રીએ ઉત્તમ કામગીરી માટે તંત્રનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો

જૂનાગઢ :જૂનાગઢ શહેરમાં ગત વર્ષે ભારે વરસાદને કારણે તારાજી સર્જાય હતી, જેને લોકો હજુ ભૂલ્યા નથી. પરંતુ આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ થયો હોવા છતાં લોકોની કોઈ મુશ્કેલીઓ વેઠવી પડી નથી. આ માટે વોટર લોગીંગના પ્રશ્નને હલ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા આગોતરા આયોજન સાથે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. ખાસ કરીને શહેરની મધ્યમાંથી પસાર થતા કાળવા વોંકળાનું ડીસીલ્ટિંગ એટલે કે, વોંકળામાંથી માટી કાપ કાઢીને તેને ૧ મીટર જેટલું ઉતારવા ઉપરાંત જરૂરી સાફ સફાઈ કરીને વોંકળાની બંન્ને તરફ લંબાઈ ૨.૫ મીટર વધી જવા પામી છે. જેથી લોકો મોટી રાહત અનુભવી રહ્યા છે.

     શહેરીજનોને પૂરના પાણીથી સુરક્ષિત રાખી શકાય તે માટે મહાનગરપાલિકા દ્વારા રૂ. ૧.૪૦ કરોડના ખર્ચે ૫ સ્થળોએ ૨૬૦ મીટર જેટલી પ્રોટેક્શન વોલ એટલે કે, પૂર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી છે.
    ગયા વર્ષે રાયજીનગરમાં ભારે નુકસાન થયું હતું તેની આપવીતી જણાવતા રાયજીનગર સોસાયટીના પ્રમુખ મહેશ ભટ્ટ જણાવે છે કે, ગયા વર્ષે ભારે વરસાદના પગલે અહીની દીવાલ તૂટી પડી હતી, જેથી અમારી સોસાયટીમાં પાંચ- સાત ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા હતા, સમાન - ફર્નિચર વગેરેને નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી. પરંતુ આ વર્ષે ગત વર્ષ કરતા પણ વધારે  વરસાદ થયો છે, પણ મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે પૂર સંરક્ષણ દિવાલના નિર્માણથી અને કાળવા વોંકળાને ઊંડો ઉતારવા સહિત યોગ્ય સાફ સફાઈથી આ ચોમાસાંમાં કોઈ ડર રહ્યો નથી. જેથી લોકો નિશ્ચિતતા અનુભવી રહ્યા છીએ. આ માટે ક્લેક્ટર, કમિશનર, ધારાસભ્ય સહિતના પદાધિકરી-અધિકારીઓ અને મહાનગરપાલિકા તંત્રનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ ઉત્તમ કામગીરી માટે કમિશનર અને મહાનગરપાલિકાને અભિનંદન આપતો પત્ર પણ લખ્યો છે.
  જૂનાગઢના ભવાનીનગર અને વિશ્વકર્મા સોસાયટીના સ્થાનિક શ્રી શ્રીકાંત વ્યાસ  જણાવે છે કે, આ કાળવા વોંકળો આ વિસ્તારમાં સાંકળો હોવાથી અને એક નાના પુલના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાતો હતો. જેથી ઘરોમાં પાણી ઘુસી જવાની સમસ્યા રહેતી, ગયા વર્ષે પણ અહીંના રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા કાળવા વોંકળાની ઊંડાઈ અને પહોળાઈ વધારવાથી અને પાણીના નિકાલમાં અવરોધ રૂપ નાનું પૂલ દૂર કરવાથી સરળતાથી પાણી નિકાલ થઈ ગયો હતો. આમ, આ વર્ષે ભારે વરસાદ હોવા છતાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. તેમણે આ માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા તંત્રનો આભાર માન્યો હતો.
 મહાનગરપાલિકા દ્વારા આલ્ફા-૨ સ્કૂલ, હાટકેશ હોસ્પિટલ,  રાયજીબાગ, એસ. ટી. વર્કશોપ, અને આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ - મધુરમ ખાતે પૂર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી છે. ઉપરાંત ભવાનીનગર - વિશ્વકર્મા સોસાયટીમાં પ્રોટેકશન વોલ બનાવવાનું કામ પ્રગતિમાં છે

(6:44 PM IST)