News of Saturday, 31st August 2024
પોરબંદરમાં વરસાદ દરમિયાન સ્થળાંતરીત કરેલ ૩૦ સગર્ભા બહેનોમાંથી ૧૭ની તબીબી દેખરેખ હેઠળ પ્રસુતિ થઈ
-ભારે વરસાદની આગાહીના અનુસંધાને જિલ્લા આરોગ્ય વિભાગે આગોતરૂં આયોજન કર્યું : ડીડીઓ કે.બી. ઠક્કર:જિલ્લા વિકાસ અધિકારીએ સરાહનીય કામગીરી કરનાર આરોગ્ય વિભાગની ટીમને બિરદાવી

પોરબંદર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડ્યો હતો. અતિ ભારે વરસાદ પડ્યો હોવાના પગલે જિલ્લા વહીવટીતંત્ર લોકોની સલામતી અને રાહત બચાવની કામગીરી માટે ખડે પગે રહ્યું હતું.
જિલ્લા પંચાયત દ્વારા અતિ ભારે વરસાદની કપરી સ્થિતિમાં લોકોના સ્થળાંતર સહિતની વિશેષ કામગીરી કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરના જણાવ્યા મુજબ પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહીના અનુસંધાને આગોતરૂં આયોજન કર્યું હતું. જે ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી આવવાની શક્યતાઓ હતી. ભાદર નદી, ઓઝત નદીના પૂરથી જે ગામો વાહન વ્યવહારથી સંપર્ક વિહોણા થવાની શક્યતા હતી ત્યાં આરોગ્ય વિભાગના તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચને ધ્યાને રાખી એવા સગર્ભા બહેનો કે જેઓની પ્રસુતિની તારીખ આગાહીના સમય દરમિયાન હતી તેઓને પોરબંદરની હોસ્પિટલ તથા નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે અગાઉથી સ્થળાંતરીત કરવામા આવ્યા હતા. ૩૦ સગર્ભા બહેનોને આરોગ્ય વિભાગ દ્વારા સ્થળાંતરીત કરાયા હતા. આ ૩૦ બહેનો પૈકી ૧૭ બહેનોની સુખરૂપ પ્રસુતિ આરોગ્ય વિભાગ દ્વારા આ સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી. પ્રસુતા બહેનોને આરોગ્ય વિભાગના તંત્રની કાબિલેદાદ કામગીરીથી કોઈ પ્રકારની અગવડતાનો સામનો કરવો પડ્યો ન હોવાથી જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી બી.બી. કરમટા અને તેઓની ટીમની કામગીરીને બિરદાવી છે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
