<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

ગોંડલ યાર્ડ ખાતે ૩૦ દુકાનની જાહેર હરરાજીઃ ઉંચો ભાવ ૮૫ લાખ બોલાયો

આવક યાર્ડના વિકાસના કામોમાં વાપરવામાં આવશે

ગોંડલ,તા. ૨: ગુજરાત રાજ્‍યનું અગ્રીમ અને સમગ્ર ભારત દેશના મોડેલ માર્કેટિંગ યાર્ડ એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેત ઉપજ જણસીઓના ખરીદ વેચાણના વેપાર ધંધા માટે ઓફિસ - કમ શોપ બિલ્‍ડિંગમાં પાઘડીથી દુકાનોની ફાળવણીની જાહેર હરાજી યાર્ડમાં આવેલ કિસાન ભવન હોલ ખાતે કરવામાં આવી હતી.

હરરાજીમાં ૧૨૦ વેપારીઓએ ભાગ લીધો હતો

ખેડૂતોનું તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ ૩૦ દુકાનોની હરાજીમાં સમગ્ર સૌરાષ્‍ટ્રના વિવિધ જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, મોરબીના ૧૨૦થી વધુ વેપારીઓ માર્કેટિંગ યાર્ડની જાહેર હરાજીમાં ભાગ લીધો હતો. અને હરાજી પેહલા તમામ વેપારીઓએ યાર્ડની ઓફિસ મારફત ફોર્મ ભરી ૧૦ લાખ ડિપોઝિટનો ચેક જમા કરાવેલ હતો. ત્‍યારબાદ જાહેર હરાજીમાં ભાગ લીધો હતો.

યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયાએ જણાવ્‍યું હતુંકે સૌરાષ્‍ટ્રભર માંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે સૌપ્રથમ પહેલી પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર કરે છે. કારણકે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે. ત્‍યારે ૩૦ દુકાનોની જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં પણ સૌરાષ્‍ટ્રના મોટાભાગના જિલ્લાઓ માંથી વેપારીઓ જાહેર હરાજીમાં આવ્‍યા હતા. જાહેર હરાજી દરમ્‍યાન એક દુકાનનો ઊંચો ભાવ રૂપિયા ૮૫ લાખ તેમજ નીચો ભાવ રૂપિયા ૭૦ લાખ રૂપિયા બોલાયો હતો. જાહેર હરાજીમાં ૩૦ દુકાનોની હરાજી પૂર્ણ થઈ હતી. હરાજીમાં થયેલ તમામ રૂપિયાની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડના વિકાસના કામોમાં વાપરવામાં આવશે.

યાર્ડના ડિરેક્‍ટરો ઉપસ્‍થિત

હરરાજી દરમ્‍યાન માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, પૂર્વ ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, મગનભાઈ ઘોણીયા, ફુલભાઈ ટોળીયા, કચરાભાઈ વૈષ્‍ણવ, વલ્લભભાઈ ડોબરીયા, મનીષભાઈ ગોલ, કુરજીભાઈ ભાલાળા, જીતુભાઈ જીવાણી, હરેશભાઈ વાડોદરિયા, રમેશભાઈ લાલચેતા, રસિકભાઈ પડાળીયા યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણી તેમજ યાર્ડના કર્મચારી ગણ જાહેર હરાજી દરમ્‍યાન જોડાયો હતો.

(11:05 AM IST)